રાજકોટમાં લધુતમ તાપમાનનો પારો 12.6 ડિગ્રીએ સરકી ગયો: ઠારનો અહેસાસ
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે આજે ચાલુ સાલ શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. મોટાભાગના શહેરોમાં આજે લધુતમ તાપમાનનો પારો પટકાયો હતો. જયારે જુનાગઢમાં પારો ઉંચકાયો છે. કચ્છનું નલીયા આજે 4.9 ડિગ્રી સાથે સતત બીજી દિવસે રાજયનું સૌથી ઠંડી શહેર રહ્યું હતું. આગામી દિવસોમાં હજી ઠંડીનું જોર વધશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
અડધો ડિસેમ્બર માસ વિતવા છતાં ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો. દરમિયાન છેલ્લા ચારેક દિવસથી રાજયમાં ક્રમશ: ઠંડીનું જોર વધી રહ્યું છે. ચાલુ સાલ શિયાળાની સિઝનમાં આજનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. કચ્છના નલીયાનું તાપમાન આજે 4.9 ડિગ્રીએ પહોંચી ગયો હતો નલીયાવાસીઓ કાતીલ ઠંડીથી થર થર ધ્રુજી ઉઠયા હતા એક જ દિવસમાં નલીયાના લધુતમ તાપમાનમાં પ0 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
સવારના સમયે તો ઠંડાગાર પવન અને કાતીલ ઠંડીના કારણે નલીયા ઠરીને ઠીકરૂ થઇ ગયું હતું. રાજકોટમાં પણ આજે લધુતમ તાપમાનમાં એક ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. ગઇકાલે શહેરનું તાપમાન 13.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. જયારે આજે લધુતમ તાપમાન 1ર.6 ડિગ્રી નોંધાયું હતું. જે આ શિયાળાની સિઝનનું સૌથી નીચુ તાપમાન છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 64 ટકા રહેવા પામ્યું હતું. જયારે 10 કી.મી.ની ઝડપે ઠંડાગાર પવનો ફૂંકાવાના કારણે દિવસ દરમિયાન શહેરીજનોએ સતત ઠંડીનો અહેસાસ કર્યો હતો. જુનાગઢ શહેરમાં આજે તાપમાનનો પારો ઉંચકાયો હતો. જુનાગઢનું લધુતમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું.
આ ઉપરાંત અમદાવાદ શહેરનું તાપમાન 13.8 ડિગ્રી, અમરેલીનું તાપમાન 13.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.4 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 16 ડિગ્રી, ભુજનું તાપમાન 1ર.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 11.5 ડિગ્રી, દિવનું તાપમાન 11.6 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 13.4 ડિગ્રી, કંડલાનું તાપમાન 13.5 ડિગ્રી, નલીયાનું તાપમાન 4.9 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 13.5 ડિગ્રી, સુરતનું તાપમાન 18.2 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 17.3 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું.
આગામી દિવસોમા હજી લધુતમ તાપમાનનો પારો વધુ નીચો પટકાય શકે છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઠંડીનું જોર વધશે. શિયાળાએ જમાવટ કરતા લોકો સ્વાસ્થવર્ધક ખોરાક તરફ વળ્યા છે. મોનીંગ વોકર્સની સંખ્યામાં ઘટાડો નોંધાય રહ્યો છે. દિવાળી બાદ બે મહિના પછી ઠંડીની સિઝન શરુ થતાં લોકોએ રાહત અનુભવી છે.