યુવાનોએ ભારે ઉત્સુકતા સાથે ચાની ચુસ્કી લગાવતા ડો.ગુપ્તાને ચૂંટણી પ્રક્રિયા, ઓનલાઈન વોટીંગ, નોટા જેવી બાબતો અંગે પ્રશ્નો પુછયા
ગુજરાતના ચૂંટણીના બ્રાન્ડ આઈકોન ચેતેશ્ર્વર પુજારા અને રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની ‘અબતક’ સાથે વિશેષ વાતચીત
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા ટી પોસ્ટ કાફેમાં યોજવામાં આવેલા એક નવતર કાર્યક્રમમાં યુવાનોએ કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા અને ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને યુવાનોએ ચૂંટણીમાં મતદાર જાગૃતિ અંગે રસપ્રદ સવાલો પૂછ્યા હતા. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત કોફી વીથ કલેક્ટર શીર્ષક હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં સૌથી પ્રથમ પ્રશ્ન એવો પૂછાયો હતો કે મારૂ નામ મતદાર યાદીમાં છે, પણ મતદાર ઓળખકાર્ડ નથી તો બીજા ક્યા ઓળખપત્રના આધારે મતદાન કરી શકું ? તેનો જવાબ આપતા કલેક્ટર ડો. ગુપ્તાએ એવું કહ્યું કે ચૂંટણીમાં મતદાન કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૧ ઓળખપત્રો માન્ય રાખવામાં આવ્યા છે. જેમાં મતદાર ઓળખપત્ર ઉપરાંત, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકાર સંસ્થા દ્વારા આપવામાં આવેલું ઓળખપત્રસહિતના પૂરાવા માન્ય રાખવામાં આવશે. આ ઉપરાંત મતદાર સ્લીપ બીએલઓ દ્વારા ઘરેઘરે વિતરણ કરવામાં આવનાર છે. જેના આધારે પણ મતદાન કરી શકાશે.
એક વિદ્યાર્થીએ વળી ટેન્ડર મત વિશે પણ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં જવાબમાં કલેક્ટરે કહ્યું કે, તમે જ્યારે મતદાન કરવા માટે જાવ છો અને તમને એમ લાગે કે તમારા મતાધિકારનો ઉપયોગ બીજુ કોઇ કરી ગયું છે ત્યારે, પોતાની ઓળખના પૂરાવા આપીને તમે પીઠાધિકારીને કહે ટેન્ડર વોટ નાખી શકો છે.
રાજકોટની મતદાર યાદીમાં પચાસ ટકાથી પણ વધું મતદારો યુવાન છે, ત્યારે ચૂંટણીમાં યુવાન મતદારોનો ભૂમિકા શું હોઇ શકે ? તેવા એક પ્રશ્નના ઉત્તરમાં ડો. ગુપ્તાએ એ કહ્યું કે, યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વની ગર્વ સાથે ઉજવણી કરે એ જરૂરી છે. સાથે, એથિકલ વોટિંગ થાય એ પણ જરૂરી છે. યુવાનો પોતાનું નામ જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં જઇ મતદાન કરે અને આ માટે જ મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં યુવાનોને પ્રેરણા આપવા માટે ખાસ ઉપસ્થિત રહેલા ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, હું જ્યારે પ્રથમ વાર મતદાન કરવાનો હતો ત્યારે, આઇપીએલના મેચ હતા અને તેમાં હું રમતો હતો. પણ, મતદાન કરવા માટે મે રજા માંગી હતી અને મને રજા મળી હતી. ખાસ રજા લઇ મતદાન કરવા માટે રાજકોટ આવ્યો હતો. તો આપણી પાસે રજાના દિવસે કાંઇ જ કામ ન હોય છતાં પણ, મતદાન કરતા નથી. તંદુરસ્ત લોકશાહી માટે આપણે આ વૃત્તિ બદલાવી પડશે. એક બાજુ આપણે વ્યવસ્થા તંત્ર સામે ફરિયાદ કરતા થાકતા નથી કે બીજી બાજુ મતદાન પણ કરતા નથી. ત્યારે, જો આપણે મતદાન કરતા હોઇએ તો જ આવી ફરિયાદો કરવી જોઇએ.
એક પ્રશ્નના ઉત્તરમાં પૂજારાએ રસપ્રદ વાત કરતા કહ્યું અમે ક્રિકેટ મેચ દરમિયાન પણ, ડ્રેસિંગરૂમમાં મતદાન અને ચૂંટણી ઉપર ચર્ચા કરતા હોઇએ છીએ. તમામ ક્રિકેટરો લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે જનજાગૃતિના કાર્યક્રમો કરતા હોય છે.
તેમણે યુવા મતદારોને ખાસ અપીલ કરી કે આ વખતે આપણે મોટા પ્રમાણમાં મતદાન કરીએ અને મતદાનની ટકાવારીના પાછલા તમામ રેકોર્ડ તૂટી જાય.
યુવાનોનએ ભારે ઉત્સુક્તા સાથે ચાની ચુસ્કી લગાવતા લગાવતા ડો. ગુપ્તાને ચૂંટણી પ્રક્રીયા, ઓનલાઇન વોટિંગ, નોટા જેવી બાબતો અંગે પ્રશ્નો પૂછ્યા હતા અને જવાબો મેળવી છાત્રોએ પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. કલેક્ટરે યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયે છાત્રોને મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા.
આ વેળાએ નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, શ્રીમતી અનુજા ગુપ્તા, અરવિંદભાઇ પૂજારા, નાયબ મામલતદાર માધવભાઇ મહેતા, પ્રીતિ વ્યાસ, રાજ્યગુરુ, ભરતભાઇ શીલુ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના યુવા મતદારોનો ‘ટેમ્પો’ ખૂબજ વધુ: ડો.રાહુલ ગુપ્તા
મતદાન જાગૃતિને લઈ રાજકોટ જિલ્લાના કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ‘અબતક’ સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર મતદારોને મુંઝવતા પ્રશ્ર્નો, તેમની સમસ્યા અને તેમની સમસ્યાના નિરાકરણ માટે કોફી વિથ કલેકટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેકવિધ પ્રથમ વખતના મતદારોએ તેમના મુંઝવતા પ્રશ્ર્નો વિશે કલેકટર પાસેથી માહિતી મેળવી હતી. આ તકે કલેકટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજકોટના યુવા મતદારોનો ટેમ્પો ખુબજ વધુ છે જે આ વખતની ચૂંટણીમાં જોવા મળશે.
પ્રથમ વખતના મતદારોને કેવા પ્રકારના દસ્તાવેજો ચૂંટણી સમયે લઈ જવા તે અંગેની દ્વિધા ઉભી થઈ હતી જેને લઈ કલેકટર દ્વારા તેમનો યોગ્ય નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ મહાપર્વ છે જેની ઉજવણી યુવાઓ અને પ્રથમ વખતના મતદારોએ ખુબજ ઉત્સાહથી કરવી જોઈએ. કારણ કે એક-એક મત ખુબજ કિંમતી છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી પરંતુ રાજકોટની રંગીલી જનતા આ વખતની લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરશે તેવી આશા સેવાઈ રહી છે.
ક્રિકેટ ડ્રેસીંગ રૂમમાં મતદાનને લઈને ખેલાડીઓ વચ્ચે ચર્ચા થતી હોય છે: ચેતેશ્ર્વર પુજારા
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતેશ્ર્વર પુજારાએ મતદાન જાગૃતિને લઈ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મતદાન એ એક રાષ્ટ્રીય પર્વ છે. જેની ઉજવણી સમગ્ર દેશે હર્ષોલ્લાસથી કરવી જોઈએ. ત્યારે રાજકોટ ખાતે કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેઓએ સૌપ્રથમ વખત મતદાન કરનાર મતદાતાઓને અનેકવિધ પ્રકારે માહિતી આપી હતી અને મતદાનના મહત્વ અંગે તેમને પુરતી સમજણ પણ આપી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જયારે તેઓએ પ્રથમ વખત મતદાન કર્યું. ત્યારે તેમનો આનંદ બમણી સેન્ચ્યુરી મારી હોય તેના કરતા પણ વધુ રહ્યો હતો. અંતમાં તેઓએ માહિતી આપતા એમ પણ જણાવ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણીમાં તેઓ સહ પરિવાર મતદાન કરવા જશે અને તેમની એક વર્ષની બાળકી જયારે પ્રથમ વખત મતદાન કરશે તે તેમની જીંદગીનો સૌથી ખાસ દિવસ રહેશે.