સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પણ મળશે પરંતુ વોર્ડ નં.૧૩ને અસરકરતા કામો અંગે નિર્ણય નહીં લઈ શકાય: પેટાચુંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ધમધમાટ શરૂ: કોંગ્રેસના ચાર થી પાંચ નામો ચર્ચામાં
કોર્પોરેટર પદેથી નિતીન રામાણીએ રાજીનામું આપતા વોર્ડ નં.૧૩માં ખાલી પડેલી એક બેઠક માટે આગામી ૨૭મી જાન્યુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. ચુંટણીની આચારસંહિતા અમલમાં આવી ચુકી છે. જોકે આ આદર્શ આચારસંહિતા માત્ર વોર્ડ નં.૧૩ પુરતી જ સિમીત રહેશે. મેયર સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓને સરકારી ગાડી અને મોબાઈલ વાપરવાની પણ છુટ આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ મળશે પરંતુ તેમાં વોર્ડ નં.૧૩ના કોઈ વિકાસ કામો અંગે નિર્ણય લઈ શકાશે નહીં. વોર્ડના ૫૩ હજાર મતદારો નગરસેવકને ચુંટવા માટે મતદાન કરશે.
વર્ષ ૨૦૧૫માં યોજાયેલી મહાપાલિકાની સામાન્ય ચુંટણીમાં વોર્ડ નં.૧૩માં ભાજપને એક અને કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી. દરમિયાન તાજેતરમાં કોંગી કોર્પોરેટર નિતીન રામાણીએ કોર્પોરેટરપદેથી રાજીનામું આપી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કરી લીધો છે. વોર્ડની ખાલી પડેલી પેટાચુંટણી માટે ગઈકાલે તારીખનું એલાન કરવામાં આવ્યું છે. આગામી ૭મી જાન્યુઆરીથી ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ૧૨મી જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી શકાશે. ૧૫મી જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી થશે અને ૧૬મી જાન્યુઆરીએ ફોર્મ પરત ખેંચી શકાશે.
૨૭મી જાન્યુઆરીના રોજ મતદાન યોજાશે. ૨૯મી જાન્યુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પેટાચુંટણીની તારીખ જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચુકી છે. જોકે આચારસંહિતા માત્ર વોર્ડ નં.૧૩ પુરતી સિમીત રહેશે. પદાધિકારીઓને સરકારી ગાડી અને મોબાઈલ વાપરવાની છુટ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ મળશે જેમાં વોર્ડ નં.૧૩ને અસર કરતા કામો અંગે કોઈ નિર્ણય લઈ શકાશે નહીં.
જોકે આગામી ૨૫મી જાન્યુઆરીએ મહાપાલિકા દ્વારા પ્રજાસતાક પર્વની પૂર્વ સંઘ્યાએ યોજાનારી સંગીત સંઘ્યા યોજી શકાશે કે કેમ ? તે અંગે હજી ચુંટણીપંચનું માર્ગદર્શન લેવાનું બાકી છે.