હવે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ લોકાર્પણ કે ખાતમુહુર્ત નહી કરી શકાય: સરકારી યોજનાઓના પોસ્ટર, હોર્ડિંગ ઉતારી લેવાયા: નેતાઓની સરકારી ગાડી જમા લઇ લેવાય
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આજથી રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. સરકારી કાર્યક્રમો પર બ્રેક લાગી જવા પામી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નહી થાય ત્યાં સુધી હવે એકપણ યોજનાનું લોકાર્પણ કે ખાતમુહુર્ત કરી શકાશે નહી. મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ પરત ખેંચી લેવામાં આવી છે.
ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપી શકાતુ નથી. મતદારો લલચાય તેવી કોઇ સરકારી યોજનાની જાહેરાત કરવામાં આવતી નથી. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જાય છે. આજે બપોરે 12 કલાકે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવતાની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. તમામ સરકારી કાર્યક્રમો પર બ્રેક લાગી જવા પામી છે. હવે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ જાહેર નહી થાય અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નહી થાય ત્યાં સુધી એકપણ કામનું લોકાર્પણ કે ખાતમુહુર્ત કરવામાં આવશે નહી. આવુ જ નહી સરકાર દ્વારા પણ કોઇ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે નહી અને નવી કોઇ યોજનાની જાહેરાત કરી શકાશે નહી.
સરકારી વાહનો અને એસટી બસ પર લગાવવામાં આવેલી વિવિધ સરકારી યોજનાના સ્ટીકરો અને મુખ્યમંત્રીના ફોટાવાળા બેનરો હટાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજમાર્ગો પર લગાવવામાં આવેલા વિવિધ રાજકીય પક્ષોની ઝંડી અને બેનરો ઉતારી લેવામાં આવ્યા છે. પક્ષો દ્વારા દિવાલો પર ચિતરવામાં આવેલા વિવિધ પ્રકારના લખાણો પણ હટાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આચાર સંહિતાનો કડક અમલવારી કરાવવા માટે સરકારી તંત્ર સજ્જ બની ગયું છે.
આજથી રોકડ વ્યવહારો પર પણ ચૂંટણી પંચ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. રાજકીય પક્ષોની હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજ્ય સરકારના વિવિધ વિભાગના મંત્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનો, મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ પરત ખેંચી લેવામાં આવી છે.
કોઇપણ રાજનેતા દ્વારા આજથી સર્કિટ હાઉસનો ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ઉપયોગ કરી શકાશે નહી. મંત્રી કે પદાધિકારીઓ પોતાના વિભાગના કામો માટે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ ચૂંટણીલક્ષી કામો માટે સરકારી વાહન વાપરી શકાતી નથી. આચાર સંહિતા ભંગ થયાની ફરિયાદના ડરના કારણે નેતાઓ સરકારી વાહનો જમા કરાવવાની હોય છે.