- નવી કોઈ સરકારી જાહેરાતો હવે નહિ થઈ શકે, તમામ સરકારી વિભાગો આજથી જ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત : આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવવા તંત્ર ખડેપગે રહેશે
આજે ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતા લાગુ થઈ છે. આજથી હવે નવી કોઈ સરકારી જાહેરાતો થઈ શકશે નહિ. તમામ સરકારી વિભાગો આજથી જ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે. બીજી તરફ આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવવા તંત્ર ખડેપગે રહેવાનું છે.
ચૂંટણી પંચે આજે એટલે કે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ છે. લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત કરી છે.
વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. તે પહેલા નવી લોકસભાની રચના કરવી પડશે. ગત વખતની જેમ આ વખતે પણ સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. તારીખોની જાહેરાત કરતા પહેલા, ચૂંટણી પંચે અધિકારીઓને દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેવા માટે મોકલ્યા હતા, જેથી તેઓ કઈ પરિસ્થિતિઓ હેઠળ ચૂંટણીઓ હાથ ધરવામાં આવશે તેની સમીક્ષા કરી શકે.
આજથી આચરસંહિતાની અમલવારી શરૂ થઈ છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે પણ આચારસંહિતા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આચારસંહિતા લાગુ થયા બાદ હવે સરકાર કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીની ટ્રાન્સફર-પોસ્ટિંગ કરી શકતી નથી. જો ટ્રાન્સફર ખૂબ જ જરૂરી બની ગયું હોય તો પણ ચૂંટણી પંચની સંમતિ વિના સરકાર આ નિર્ણય લઈ શકે નહીં. આ સમયગાળા દરમિયાન રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર જરૂરિયાત મુજબ અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ કરી શકે છે.પાર્ટીની સરઘસ કે રેલી કાઢવા માટે ઉમેદવારે ચૂંટણી પંચની પરવાનગી લેવી પડે છે. ઉમેદવારે આ માહિતી નજીકના પોલીસ સ્ટેશનને પણ આપવાની રહેશે. પોલીસ અધિકારીઓએ જાહેર સભા અને તેના સ્થાન વિશે માહિતી આપવાની હોય છે.
12 લાખથી વધુ મતદાન મથકો પર 97 કરોડ લોકો મતદાન કરશે
લોકસભા ચૂંટણીમાં 12 લાખથી વધુ મતદાન મથકો પર લગભગ 97 કરોડ લોકો મતદાન કરવા જઈ રહ્યા છે. 543 સંસદીય બેઠકો માટે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી યોજાશે. આ વખતે સંસદીય ચૂંટણીને વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ) અને બીજેપીની આગેવાની હેઠળના એનડીએ વચ્ચેની હરીફાઈ તરીકે જોવામાં આવી રહી છે. ઈન્ડિયા ગઠબંધન માટે લોકસભાની ચૂંટણી કરો યા મરો જેવી સ્થિતિ છે.
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેર
લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં અલગ-અલગ તારીખે પૂરો થઈ રહ્યો છે. ગત વખતે લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થયું હતું. મતગણતરી 23 મેના રોજ થઈ હતી.