• હવે વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ પર લાંબી બ્રેક: રાજમાર્ગો પર લાગેલી રાજકીય પક્ષોની ઝંડીઓ પણ ઉતારી લેવાશે

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે લોકસભાની ચૂંટણીની તારીખનું એલાન કરાતાની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જવા પામી છે. હવે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ નહીં આવે ત્યાં સુધી સરકાર દ્વારા કોઇપણ લોકહિતકારી યોજનાની જાહેરાત કરી શકાશે નહીં. ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ કોર્પોરેશનના મુખ્ય પાંચેય પદાધિકારીઓએ પોતાને ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ જમા કરાવી દીધી હતી. આ ઉપરાંત કોર્પોરેશનમાં લગાવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ફોટા પણ ઢાંકી દેવામાં આવ્યા હતા. સાંજથી રાજમાર્ગો પર લાગેલી રાજકીય પક્ષોની ઝંડીઓ અને બેનરો ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આચાર સંહિતા અમલમાં આવી જાય છે. મતદારોને આકર્ષી શકાય તેવી કોઇ જાહેરાત કરી શકાતી નથી.

આજે બપોરે 3:00 કલાકે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પૂર્વે જ મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રભાઇ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઇ રાડીયા ઉપરાંત ફાયર સમિતિના ચેરમેનને હોદ્ાની રૂએ ફાળવવામાં આવેલી સરકારી ગાડીઓ જમા કરાવી દીધી હતી.

હવે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ નહીં આવે ત્યાં સુધી તેઓ સરકારી ગાડીઓનો ઉપયોગ કરશે નહીં.જો કે, નિયમ મુજબ પદાધિકારીઓ પોતાના નિવાસસ્થાનથી કચેરી સુધી આવવા અને જવા માટે ગાડી વાપરી શકે છે.

ચૂંટણી પ્રચારમાં સરકારી મિલકતનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ કોઇ વિવાદ ન સર્જાય તે માટે પદાધિકારીઓ આચાર સંહિતા અમલમાં આવતાની સાથે જ ગાડીઓ જમા કરાવી દેતા હોય છે.હવે કોઇ નવી યોજનાની જાહેરાત કરી શકાશે નહીં. આ ઉપરાંત વિકાસ કામોનું ખાતમુહુર્ત કે લોકાર્પણ પર પણ બ્રેક લાગી જશે. નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવે છે. પરંતુ આ બેઠકમાં કોઇ નિર્ણય લેવામાં આવતો નથી.

આચાર સંહિતા અમલમાં આવ્યાના તુરંત બાદ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રાજમાર્ગો પર લાગેલી રાજકીય પક્ષોની ઝંડીઓ ઉતારી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશન કચેરીમાં જે-જે જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ફોટા ઢાંકી દેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.