- ચૂંટણી ખર્ચનું આકલન સુચારુ રીતે થાય, તે માટે ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરોએ ચૂંટણી પ્રચારના કાર્યક્રમના ચોકસાઈપૂર્વક તમામ વિઝ્યુઅલ લઈ જરૂરી માઈન્યુટ ઓબ્ઝર્વેશન કરવા તાકીદ
વિશ્વની સૌથી મોટી લોકશાહીના પાવન પર્વ સમાન ચૂંટણી દરમિયાન અમલમાં આવનારી આદર્શ આચારસંહિતાના પાલન તથા અન્ય ચૂંટણીલક્ષી બાબતો અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને આચારસંહિતા અને ખર્ચની ટીમોની તાલીમ યોજાઈ હતી.
પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલી આ તાલીમનો શુભારંભ કલેક્ટર તથા ઉપસ્થિતોના હસ્તે દિપ પ્રાગટયથી કરાયો હતો. આ તકે કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે આપણે સૌએ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધક બન્યા વિના વોચમેન તથા નિર્ણાયકની ભૂમિકા ભજવવાની છે. ચૂંટણીને લગતી દરેક ટીમે સંકલનથી કામગીરી કરવાની રહેશે. જેથી, ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ન્યાયિક માહોલમાં સરળતાથી પૂર્ણ થઈ શકે. ખાસ કરીને ચૂંટણી ખર્ચનું આકલન સુચારુ રીતે થાય, તે માટે ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફરોએ ચૂંટણી પ્રચારના કાર્યક્રમના ચોકસાઈપૂર્વક તમામ વિઝ્યુઅલ લઈ જરૂરી માઈન્યુટ ઓબ્ઝર્વેશન કરવા કલેક્ટરએ તાકીદ કરી હતી.
લોકસભા ચૂંટણી પ્રક્રિયા આદર્શ આચારસંહિતાના નિયમો મુજબ થાય તેમજ જરૂર પડ્યે સૂઝબૂઝ અને અનુભવોના આધારે નિર્ણયો લેવાય તેમ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું.
અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આચારસંહિતા અંગેની તમામ બાબતો વિષે વિગતવાર જાણકારી આપી હતી. વિશ્રામ ગૃહના ઉપયોગ, પ્રચાર સાહિત્ય, સભા, ખર્ચ, 144મી કલમ, વાહનોના ઉપયોગ, સ્ટાર પ્રચારકો, વગેરેને સાંકળીને જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રાંત અધિકારી જે. એન. લીખિયાએ ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઉપસ્થિત અધિકારીઓને તાલીમ આપી હતી. જેમાં વિવિધ ટીમના માળખા તથા મદદનીશ ખર્ચ નિરીક્ષક, હિસાબી ટુકડી, ફ્લાઈંગ સ્કવોડ્સ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ, દૈનિક અહેવાલ અને રસીદના નમૂના સહિતના મુદ્દાઓ તેમજ સી-વીજીલ એપ્લિકેશન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, આસી. કલેક્ટર નિશા ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, રૂડાના સી.ઈ.ઓ. મિયાણી, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, ફરિયાદ અને સંકલન સમિતિના સરકારી સભ્યો, ચૂંટણીલક્ષી વિવિધ સમિતિઓના નોડલ ઓફિસર્સ, ચીફ ઓફિસર્સ, નાયબ મામલતદારો, તથા ચૂંટણી સાથે જોડાયેલા સર્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.