કેસર કેરી બાદ સોરઠ નાળિયેરીના ક્ષેત્રે પણ બનશે અગ્રેસર: કૃષિ મંત્રી રાધવજી પટેલ
“વિશ્ર્વ કોકોનેટ ડે” કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા રાજ્યકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસનું લોકાર્પણ જૂનાગઢ ખાતે કરાયુ હતું. કેન્દ્રીય મંત્રી વિશ્ર્વ નાળિયેર દિવસ પર કોચી, કેરળ ખાતે ખેડૂતોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે દેશે પ્રાપ્ત કરી અનેક ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર વધે તે માટે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારમાં વધુને વધુ નાળિયેરનું ઉત્પાદન થાય, નાળિયેરના પાકનું વાવેતર થાય અને નાળિયરેના પાક માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતો મળે તે માટે કામ થઇ રહયુ છે.
દેશમાં ગુજરાતમાં સૌથી વધુ મોટો 1600 કિમિનો દરિયા કિનારો હોઇ ભારત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેનાથી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો નાળિયેરીના વિસ્તારોમાં નાળિયેરીનો પાક વધશે. તેમજ ખેડૂતોને તેનો ફાયદો મળશે. બોર્ડ દ્વારા નાળિયેરીના ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાઓનો લાભ આ અહીંના ખેડૂતોને મળશે. બોર્ડ દ્વારા વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે. નાળિયેર વિકાસ બોર્ડ એ ખેડૂતો માટે વરદાન સાબિત થશે. નાળિયેર ઉત્પાદનમાં દેશ સમગ્ર વિશ્ર્વમાં પ્રથમ સ્થાને છે.
મંત્રી એ કહ્યું હતું કે ગુજરાત એ ગાંધીજી, દેશને એક કરનાર સરદાર પટેલ, મોરારજી દેસાઈની પાવન ભૂમિ છે. ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલના નેતૃત્વમાં કૃષિક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. જૂનાગઢની સંતો મહંતોની પવિત્ર ભૂમિ છે. ગિરનારમાં મા અંબાના દર્શન કર્યા. ત્યારે ત્યાંનો રોપવે એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ફળશ્રુતિ રૂપે જોવા મળી. તેમના સુશાસનમાં દેશ અનેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે નાળિયેર ઉત્પાદનમાં સમગ્ર વિશ્ર્વમાં ભારત અગ્રણી દેશ છે. આ ક્ષેત્રમાં આશ્ર્ચર્યજનક સ્થિતિ પ્રાપ્ત કરી છે. વર્ષ 2021-22માં ભારતમાં નાળિયેરનું ઉત્પાદન 1924.7 કરોડ ફળનું હતુ. વૈશ્ર્વિક ઉત્પાદનમાં ભારતનું યોગદાન 31 ટકા છે. દેશમાં પ્રતિ હેકટર દીઠ 9430 ફળ થાય છે. દેશમાં નાળિયરેની ખેતી કુલ 21.10 લાખ હેકટર ક્ષેત્રમાં છે.
કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જુનાગઢ ખાતે “કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની” કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેથી રાજ્યના નાળિયેર પકાવતા ખેડૂતો વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, ગુજરાતના 14 જિલ્લામાં દરિયા કિનારો છે. જેમાં માંગરોળ, ચોરવાડ, માળીયા, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરનું પાકનું ઉત્પાદન થાય છે. તેમાં નાળિયેરી બોર્ડ ગુજરાતમાં કાર્યરત કરવાથી તેમાં વધારો થશે. નાળિયેરના ઉત્પાદનને વેગ મળશે.
નાળિયેરના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. નાળિયેરના ખેડૂતોની આવક વધશે. ખેડૂતોએ નાળિયેર ક્ષેત્રમાં ઉપલબ્ધ સંભાવનાનો ભરપૂર ફાયદો લેવો જોઈએ. કેશર કેરી બાદ સોરઠ નાળિયેર ક્ષેત્રે પણ અગ્રેસર બનશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર 25 હજાર હેકટર છે, જેમાંથી 2131 લાખ ટનનું ઉત્પાદન થાય છે. જે પૈકી 15 હજાર હેકટર વાવેતર વિસ્તાર તો માત્ર જૂનાગઢ ગિર સોમનાથમાં જ છે. નાળિયેરની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ- ગિર સોમનાથ જિલ્લો પ્રથમ સ્થાને છે. સૌથી વધુ ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન ગિર સોમનાથમાં જ થાય છે. જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો 6300 હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરી પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રતિ હેકટર નાળિયેરની ઉત્પાદકતા 8542 છે.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જૂનાગઢમાં કોકોનેટ ડેવલપપેન્ટ બોર્ડની રાજ્યકક્ષાની ઓફિસ કાર્યરત થવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, અહીંયા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત થવાથી આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાની સાથે નાળિયેરીની ખેતિને પણ વેગ મળશે. તેમ જણાવતા સાંસદએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારના ખેડૂતોના વિકાસ માટે વિશેષ ધ્યાન આપ્યું છે. તે માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડના જોઇન્ટ સેક્રેટરી ડો.વિજયા લક્ષ્મીએ વર્ચ્યુઅલ પ્રાસંગીક પ્રવચન કરતાં કહ્યું હતું કે, નાળિયેરના પાક માટે દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી નારિયેળના વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. લોકજીવનમાં લગ્ન ગીતોથી માંડી કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેલા નાળિયેરને શ્રીફળ એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોય તેને કલ્પવૃક્ષ અથવા સ્વર્ગનું વૃક્ષ પણ કહેવાય છે. હવે નાળિયેર બોર્ડ દ્વારા દેશભરમાં નાળીયેરની ખેતીનો વ્યાપ વધારવાનું કામ થઈ રહ્યું છે.