સરકારે કોન્ટ્રાકટ રિન્યુ નહીં કરતા ઓપરેશન બંધ થઇ ગયા
કોરોના પહેલાથી ઓપરેશન માટે કેટલાક બાળકો છે પ્રતિક્ષામાં….
રાજકોટની સરકારી હોસ્પિટલમાં સીએમ સેતુ યોજના અંતર્ગત બંધ કરવામાં આવેલી કોકલીયર ઇન્પલાન્ટ ઓપરેશન શરૂ કરવા હિન્દુ યુવા વાહિની દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા તાલુકાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ રીન્યુઅલની પ્રક્રિયા કે અન્ય સમસ્યાને કારણ બંધ કરવામાં આવેલી કોકલીયર ઇમ્પલાન્ટ સર્જરી (જન્મથી જ મુંગા-બહેરા હોય તેવા બાળકોના ઓપરેશન) બંધ કરવામાં આવી છે તે વહેલી તકે ફરી શરૂ માંગ કરાઇ છે.
ઓપરેશન વહેલી તકે શરૂ કરવા હિન્દુ યુવા વાહિનીની કલેકટરને રજૂઆત
કોરોના પહેલા રાજકોટ સિવિલમાં પૂર્વ તબીબી અધિક્ષક ડો. મહેતા અને ટીમ દ્વારા જન્મથી જ મુંગા બહેરા હોય તેવા બાળકોના વિનામુલ્ય 100થી વધુ (કોકલીયર ઇમ્પાલન્ટ સર્જરી) ઓપરેશનો સફળતા પૂર્વક થાય છે. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરીનો ખર્ચ અંદાજે આઠથી દસ લાખ જેવો થાય જે નાના, મધ્યમ કે ગરીબ માણસને પોષાઇ ન શકે. સિવિલમાં વિના મૂલ્ય સુવિધા હતી એટલે હાલ કોરોના પહેલાથી અનેક બાળકો વેઇટીંગમાં છે માટે આ સુવિધા ફરી શરૂ કરવી જરૂરી છે.
ખાનગીમાં રૂ.8થી 10 લાખમાં થતા ઓપરેશન સીએમ સેતુ યોજના હેઠળ સિવિલમાં વિનામૂલ્યે થતા
સરકાર તરફથી કોન્ટ્રાકટ રીન્યુઅલની વહિવટી પ્રક્રિયા ખોરંભે પડી હોવાથી આ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યાનું તેમજ કાયમી તબીબી અધિક્ષકની નિમણુંક અને બાળકોના વિભાગમાં પણ કાયમી અધિક્ષક ન હોવાથી વહીવટી પ્રક્રિયા વિલંબમાં છે તેમજ ન્યુરો સર્જનનું મહેકમ ઘણા વર્ષોથી મંજુર થયેલ છે. તેમાં પણ સત્વરે કાયમી ડોકટરની નિમણૂક વિગેરે બાબતે ફરિયાદ મળતા હિન્દુ યુવા વાહિની ગુજરાતની ટીમે અને શહેરના સામાજિક અગ્રણીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિસ્થિતિ અને વધુ જાણકારી હેતુ મુલાકાત લીધી હતી. હાલ કાર્યકારી તબીબી અધિક્ષક લાંબી રજા ઉપર હોય નહી કાન, નાક, ગળા વિભાગના ઇન્ચાર્જ રહેલ ડો ખાવડુ તથા અન્ય ડોકટરો અને કર્મચારીઓના જણાવ્યા મુજબ સિવિલમાંથી ગાંધીનગર આરોગ્ય વિભાગમાં આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. તેમજ સર્જરી માટે નિષ્ણાત ડોકટર ટીમ ઉપલબ્ધ નથી તેની નિમણૂંક તેમજ સર્જરી માટે ટીમની મંજૂરી બાળકોના વેઇટીંગ લિસ્ટ વિગેરે મોકલેલ છે. જરૂરી કાર્યવાહી ચાલુ છે. પરંતુ બે માસનો સમય થયો હજુ સુધી સરકાર તરફથી કોઇ હકારત્મક પ્રતિભાવ મળ્યો નથી. તેમ હિન્દુ યુવા વાહનને જણાવ્યુ છે.
દર્દીઓ માટે આશીર્વાદ રૂપ એકમાત્ર સેવા રાજકોટમાં જ
સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ આ પ્રકારના ઓપરેશનની સુવિધા જે ખુબ જ આશીર્વાદ રૂપ હતી. આ પ્રકારના ઓપરેશનનો બહાર ખાનગી હોસ્પિટલોમાં વધુ ખર્ચ થતો હોય છે. સિવિલમાં તદ્દન વિનામૂલ્ય થાય તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ હતી. સિવિલમાં સર્જરી માટે લાવવામાં આવે તો નિયમ મુજબ પહેલા ઓડિયોલોજી, સેટઅપ: સ્પીચ થેરાપી, કાઉન્સેલીંગ, સિટી સ્કાન, વેકસીન સહિતની વિધિમાંથી પસાર કરી બાદમાં ગાંધીનગરથી એનઓસી માટે એપ્લીકેશન કરવામાં આવે છે. ત્યાંથી એનઓસી મળ્યા પછી જે તે બાળ દર્દીને ઓપરેશન માટે લઇ જવામાં આવે આટલી જટીલ પ્રક્રિયા કરવામાં આવતી હતી.
વહેલી તકે ઓપરેશનો શરૂ કરવા જરૂરી
સી.એમ. સેતુ યોજના અંતર્ગત આ યોજનાને લઇને સારવાર હાલ કોઇપણ કારણોસર રીન્યુ થઇ નથી, આ કારણે અત્યંત ઉપયોગી અને સૌરાષ્ટ્રભરમાં જે સુવિધા માટે સિવિલનું નામ છે એ ઓપરેશન સાવ ઠપ્પ થઇ ગયા છે. સંબંધીત સત્તાધીશો સત્વરે આ પ્રશ્ર્નનો નિવેડો લાવે. તેમજ વહેલી તકે આ ઓપરેશનનો શરૂ કરવા તેમજ કાયમી તબીબોની નિમણૂંક કરવામાં આવે જેથી લોકોને સારી સારવાર અને સુવિધા મળી રહે.