રાજકોટ જિલ્લામાં કોકાકોલાનો પ્લાન્ટ સ્થાપવાનો છે. ત્યારે આ પ્લાન્ટથી પ્રગતિ ગણવી કે અધોગતિ? તેવો સણસણતો પ્રશ્ર્ન ઉઠાવીને ગ્રામ સ્વરાજ મંડળ પારડી ધીરૂભાઈ ડી. ધાબલીયાએ અનેક મુદાઓ રજૂ કર્યા છે.
પાણીની ઘટ સર્જાય શકે, ખરાબ પાણીના નીકાલની ખેતીવાડીના તળ બગડી શકે: એક બાજુ લીંબુ શરબત, ફ્રુટ જયુસ અને લસ્સીનો પ્રચાર, બીજી બાજુ કોકાકોલાના દુષણને આમંત્રણ આપવું ગેરવ્યાજબી
ધીરૂભાઈ ધાબલીયાએ જણાવ્યું કે, હિંદુસ્તાન કોકાકોલા બેવરેજીસ, કોકાકોલા કંપની રાજકોટ જિલ્લામાં 3000 કરોડનાં રોકાણથી વિશાળ ફેક્ટરી સ્થાપવા એમ.ઓ.યુ. કરેલ છે . આ માટે કલેક્ટરને હાઈ – વેથી નજીક અને પુષ્કળ પાણી હોય તેવી 75 એકર જમીન શોધવા ગુજરાત સરકારે સૂચના આપી છે. હવે આ માટે દરખાસ્ત છે કે તે રાજકોટ જિલ્લાને કેટલું નુકશાન કરશે તે બાબત ખૂબ ગંભીર છે. સૌ પ્રથમ વિચારીએ તો રાજકોટ જિલ્લામાં પાણીનાં સાંસાં છે. નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ ર્દષ્ટિથી ગુજરાતમાં સૌની યોજના આવી. નર્મદાનું પાણી અવ્યું . જો આ ન થયું હોય તો કદાચ રાજકોટ ખાલી કરવું પડે તેવી સ્થિતિ થાય.
નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો નર્મદાનાં નીર ઉપર ટકી રહ્યા છે , જેનું બિલ પણ તેઓ પુરૂં ભરી શકતા નથી . સૌરાષ્ટ્રનું ભૂતળ ઊંધી રકાબી જેવું છે . રાજકોટ જિલ્લો દરિયાની સપાટીથી ઘણો ઊંચો છે. સૌરાષ્ટ્રની જમીન પણ ખડકાળ છે. તળમાં પાણી જ નથી . વધતી જતી જનસંખ્યા સામે જીવનજરૂરી એવું પાણી જરૂરિયાત મુજબ પૂરતું મળતું નથી.
હવે આ પ્રશ્નની ગંભીરતા એ છે કે અપૂરતું પાણી છે . માસિક લાખો બોટલ પાણી ભરાય અને ખાલી બોટલો તથા મશીનની સફાઈ થતાં રીજેકટ માલ ફેંકવો પડે અને પ્રોસેસનો જે કચરો નીકળે છે તે પ્રદુષણ ફેલાવી શકે છે. ખરાબ પાણી ખેતીવાડીનું તળ બગાડે છે અને લાગુ જમીન બિનઉત્પાદક થઈ જાય છે . દક્ષિણમાં આવા પ્લાન્ટ સામે ગામ લોકોએ આંદોલન કરેલ . મોટા પ્રોજેક્ટ અને મોટી કંપનીની લ્હાયમાં આપણે આપણી સલામતિ અને સ્વત્વ ગુમાવી રહ્યાા હોઈએ તેવું લાગે છે . કોકાકોલાની દેશને જરૂરત છે ખરી ? એક બાજુ લીંબુ શરબત , ફ્રૂટ જ્યુસ , અને લસ્સીનો પ્રચાર થાય , અને બીજી બાજુ કોકાકોલાનાં દૂષણને આમંત્રણ આપવું કોઈપણ રીતે વ્યાજબી થતું નથી .
બીજું , ‘ ઉજળું એટલું દૂધ નહિં ’ . શાપર – વેરાવળ કેમિકલ ઉદ્યોગોને કારણે તથા ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટનાં કારણે બંને ગામમાં 30-30 ખેત તલાવડી છે , તે પાણીનાં કોગળા પણ કરી શકાતાં નથી . પીવા માટે વપરાતું બોરનું પાણી પણ પ્રદૂષિત આવે છે . પહોંચતો સમાજ મીનરલ વોટર વાપરે છે . શાપર – વેરાવળની મૂળ વસ્તીનાં ખેડૂતો પૈકી મોટા ભાગનાં રાજકોટમાં રહે છે. રાજ્ય સરકાર હજુ સુધી અહિંનાં લોકો માટે પીવાનાં પાણી વ્યવસ્થા કરી શકી નથી . એસોસિએશને આ બાબતે માગણી કરી તો પ્રોજેક્ટ – કોસ્ટ આપવા પાણી પૂરવઠા બોર્ડ જવાબ આપે છે.
હાલની પરિસ્થિતિમાં અહિંયા રાજકોટ જિલ્લામાં કોકાકોલાની જરૂરત નથી તે વાત સરકાર સુધી પહોંચે તે જરૂરી છે . રાજ્ય સરકાર આ માટે ગંભીરતાથી વિચારે તેવી અપીલ કરવામાં આવે છે . લોક પ્રતિનિધિઓ આ પ્રશ્ન સમજે તેવી વિનંતિ .