કોકાકોલા ઈન્ડિયાએ પણ આલ્કોહોલ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. કોકાકોલા લેમન ડ્યુના રૂપમાં એક ડ્રિંક લાવ્યું છે, જેમાં બ્રાન્ડી અને વોડકા જેવા જ ડિસ્ટિલ્ડ આલ્કોહોલ અને લીંબુનો સ્વાદ મળશે. તમને જણાવી દઈએ કે કંપનીએ તેના વૈશ્વિક આલ્કોહોલિક રેડી-ટુ-ડ્રિંક બેવરેજ લેમન-ડ્યુથી શરૂ કરીને આલ્કોહોલ સેગમેન્ટમાં તેનું પહેલું પગલું ભર્યું છે. કંપનીએ ગોવા અને મહારાષ્ટ્રના ભાગોમાં તેનું પાયલોટ પરીક્ષણ શરૂ કર્યું છે.
લેમન-ડ્યુ નામની આલ્કોહોલિક રેડી-ટુ-ડ્રિંક બેવરેજ મહારાષ્ટ્ર અને ગોવામાં લોન્ચ કરી દેવાઈ
કોકા-કોલા ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, આ પીણાંની તૈયારી અને વિતરણ ભારતમાં સમર્પિત અને સ્વતંત્ર સુવિધાઓમાં અલગથી કરવામાં આવે છે, જે તેના બિન-આલ્કોહોલ, રેડી-ટુ-ડ્રિંક બેવરેજીસ તૈયાર કરે છે અને તેનું વિતરણ કરે છે તેનાથી અલગ છે.
લેમન-ડ્યુને ચુહાઈ તરીકે ઓળખવામાં આવે છે, જે જાપાનમાં ઉત્પન્ન થતી આલ્કોહોલિક કોકટેલ છે. આ ટેસ્ટ લોન્ચ તબક્કામાં તેની કિંમત 250 મિલી કેન માટે 230 રૂપિયા રાખવામાં આવી છે.
કંપની કોકા-કોલા, કોક, સ્પ્રાઈટ, થમ્સ અપ, ફેન્ટા, લિમ્કા ફિઝ, માઝા, મિનિટ મેઇડ જ્યુસ, કિન્લી વોટર, હોનેસ્ટ ચા અને કોફી બ્રાન્ડ્સ જ્યોર્જિયા અને કોસ્ટા કોફીનું વેચાણ કરે છે. ભારતમાં પુનઃપ્રવેશ કર્યાના ત્રણ દાયકા બાદ કંપનીએ આલ્કોહોલિક ડ્રિંક્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે.
કોકા-કોલાના ગ્લોબલ માર્કેટિંગ ચીફ માનોલો એરોયોએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આલ્કોહોલ એ ખૂબ મોટી શ્રેણી છે અને અમે જાણી જોઈને પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે. ગ્રાહકો કેવા પ્રકારના પીણાંની માંગ કરી રહ્યા છે તે અંગે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ.