ઓખાથી ૨૧ નોટિકલ માઈલ દૂર બનેલી દુર્ઘટના: માછીમારોએ કોસ્ટગાર્ડનો આભાર માન્યો
ખરાબ હવામાનને કારણે ક્ષતિયુક્ત થયેલી બોટ, છતાં પણ સમયસર સ્થળ પર પહોંચી કોસ્ટ ગાર્ડના જવાનોએ રંગ રાખ્યો
ઓખાના ડાલ્ડા બંદરે ૨૦૦૦થી વધુ માછીમારી બોટ નોંધાયેલી છે અને માછીમારી પ્રવૃત્તિ કરી રહી છે. આ બોટો જ્યારે સમુદ્રની અંદર માછીમારી કરવા જાય ત્યારે પાકિસ્તાની મરીન એજન્સીઓ દ્વારા હેરાનગતિ થાય ઉપરાંત વાવાઝોડા અને વરસાદના સમયે તકલીફ પડે ત્યારે હરહંમેશ કોસ્ટગાર્ડ દ્વારા મદદ પહોંચાડવામાં આવે છે. આવો જ એક બનાવ ગઈકાલે બન્યો હતો. ઓખાથી ૨૧ નોટીકલ માઇલ દુર સમુદ્રની અંદર ઓખાની દરિયાખેડુ નામની બોટ દ્વારા માછીમારી કરાઈ રહી હતી ત્યારે ખરાબ હવામાનને કારણે બોટ ડૂબવા લાગી હતી અને બોટમાં રહેલા સાત ખલાસીઓનાં જીવ પડીકે બંધાયા હતા.
આ વખતે પાસેની માછીમારી કરી રહેલી અન્ય બોટ દ્વારા ખલાસીઓને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને કોસ્ટગાડેને જાણ કરાઈ હતી. તાત્કાલિક ધોરણે ઓખા કોસ્ટગાર્ડની ઈ-૪૧૩ નામની શીપ ડૂબી રહેલી બોટની વહારે પહોંચી હતી ખરાબ હવામાનને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી બોટ અને સાત ખલાસીઓને કોસ્ટગાડે દ્વારા રેસ્ક્યુ કરીને ઓખા લઈ આવવામાં આવ્યા હતા. માછીમારો દ્વારા કોસ્ટગાડેનો આભાર માનવામાં આવ્યો હતો.