ભારે વરસાદથી અસરગ્રસ્ત ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે આવેલા કેન્દ્રીય પરીવહન મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવેલ કે, કોસ્ટલ એરીયામાં રોડ નેટવર્કના વિકાસથી વિશાળ કોસ્ટલ કિનારો ઘરાવતા ગીર સોમનાથની કાયાપલટ થવાની સાથે ઇકોનોમી કોરીડોર બનશે. એક બ્રીજની મજબુતાઇના વતા કરી કહેલ કે, એન્જીનીયરોએ વિઝન સાથે કામ કરવુ જોઇએ અને રોડ નેટવર્કમાં બેદરકારી, લાપરવાહી, ચાલ્યા કરે તેવી માનસીકતાથી બહાર નીકળી ભારતનાં ઉજવળ ભવિષ્યનું સ્વપ્ન નકકી કરીને જ કામ કરવું પડશે. આ તકે નેશનલ હાઇવે ઓથોરીટીનાં અધિકારીઓને સ્પષ્ટ તાકીદ કરેલ કે, હાઇવેનું કામ નબળું થશે તો એજન્સી, અધિકારીઓ, કન્સલ્ટન્ટો અને રોડની કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકોની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવાશે. રોડનું કામ આત્માને અને લોકોને સંતોષ થાય અને લોકો યાદ કરે તેવા નમુનેદાર હાઇવે બનાવા જોઇએ. ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓને ભારે વરસાદથી રૂ.૪૦ કરોડ જેટલું નુકશાન થયાનો અંદાજ છે. તો નેશનલ હાઇવેના રસ્તાઓને પણ રૂ.૨ કરોડનું નુકશાન થયું હોવાનું બેઠકમાં રજુ થતા મંત્રીએ સત્વરે ઘટતી કાર્યવાહી કરવા સ્પષ્ટ સુચનાઓ આપી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જુનાગઢથી સોમનાથ થઇ ઉના સુઘીના નેશનલ હાઇવેનું અઘિકારીઓ અને પદાઘિકારીઓ સાથે મોટરમાર્ગ નિરીક્ષણ કરી સ્થિતિ જાણી હતી. ત્યાબાદ ગીર સોમનાથના જિલ્લા સેવા સદનમાં મંત્રી માંડવીયાએ સોરઠના સાંસદ રાજેશ ચુડાસમા, જી.પ.પ્રમુખ રૈયાબેન જાલોધરા, બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વમંત્રી જશાભાઇ બારડ, ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વધારાસભ્ય ગોવીંદભાઇ પરમાર, ડાયાભાઇ જાલંધરા સહિતનાં ઉપસ્થિત પદાધિકારીઓ પાસેથી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામડા- લોકો, રસ્તાઓ, નેશનલ હાઇવે સહિતની વિગતો મેળવી હતી.