બેંકોમાં વ્યવસાયીકરણ, આરબીઆઈનાં નીતિ-નિયમો મુજબ ઓડિટ સહિતની કાર્યવાહી કરી સહકારી બેંકોને મજબુત કરાશે
કેન્દ્રિય કેબિનેટે દેશની તમામ સહકારી એટલે કે કો-ઓપરેટીવ બેંકોને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં નિયંત્રણ હેઠળ લાવવા માટેની મંજુરી આપી દીધેલી છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો આરડીસી બેંક, રાજ બેંક, નાગરિક બેંક સહિત શહેરની અન્ય સહકારી બેંકો સહિત રાજય અને દેશની તમામ કો-ઓપરેટીવ બેંકોને આરબીઆઈની નિગરાણી હેઠળ તેના નિયંત્રણમાં રાખવામાં આવશે. આરબીઆઈનાં નિયંત્રણમાં આવતાની સાથે જ સહકારી બેંકોમાં વ્યવસાયકરણ, આરબીઆઈનાં નીતિ-નિયમો મુજબનાં ઓડિટ, સીઈઓની નિમણુક, વહિવટી પ્રક્રિયાને સુદ્રઢ બનાવવા સહિતની અનેકવિધ કામગીરીઓ હાથ ધરાશે જેથી સહકારી બેંકોનું સ્તર ઉંચુ આવે અને તેની આર્થિક સ્થિતિ પણ મજબુત બને.
કેન્દ્રિય કેબિનેટ દ્વારા સહકારી બેંકો માટેનાં બેન્કિંગ રેગ્યુલેશન એકટમાં પણ સુધારા કરવામાં આવશે જેથી સહકારી બેંકો ઉપર જે આરબીઆઈ નિયંત્રણ રાખશે તેમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને પણ વધુ સતાઓ મળશે. કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કાયદામાં કરાયેલા સુધારાથી રજીસ્ટ્રારની સતાઓને કોઈ જ પ્રકારની અસર નહીં પડે. હાલ દેશની ૧૫૪૦ સહકારી બેંકોને રીઝર્વ બેંકનાં નિયંત્રણમાં રાખવામાં આવશે. આ તમામ સહકારી બેંકોનું ડિપોઝીટ આશરે ૮.૬૦ કરોડ રૂપિયા છે જયારે આ તમામ બેંકોનાં સેવિંગ વિશે જો વાત કરવામાં આવે તો તેનું સેવિંગ ૫ લાખ કરોડ જેટલું હોવાનું સામે આવ્યું છે. કો-ઓપરેટીવ બેંકોમાં રીઝર્વ બેંકનાં નિયંત્રણ બાદ તમામ વહિવટી મુસદ્દાઓ ઉપર ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેથી વહિવટી પ્રક્રિયામાં ખલેલ જે બાબતે પહોંચતી હતી તેના પર રોક મુકાશે. જયારે કો-ઓપરેટીવ બેંકો દ્વારા આરબીઆઈનાં નીતિ-નિયમો મુજબ જ ઓડિટ કરાવવાનું રહેશે જેથી પહેલા જે સહકારી બેંકોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધતું જોવા મળતું હતુ તે હવે નહીં મળે.
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, બેન્કિંગ રેગ્યુલેશન કાયદામાં સુધારા કર્યા બાદ રીઝર્વ બેંકની સીધી જ દેખરેખ હેઠળ સહકારી બેંકોની કામગીરીમાં પારદર્શકતા આવશે અને જવાબદારીપૂર્વક વધુની ફરજ નિભાવાશે. મહારાષ્ટ્રમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપેરટીવ બેંકમાં કૌભાંડ સામે આવ્યું હતું અને બેંકમાં સર્જાયેલી કટોકટીનાં પગલે કાયદામાં સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેશન કાયદામાં સુધારો થતાની સાથે જ રીઝર્વ બેંકને ઓડિટરની નિયુકિત અને હકાલપટ્ટી કરવાની સત્તા પણ આપવામાં આવેલી છે. કેન્દ્રીય બજેટ રજુ કર્યા બાદ નિર્મલા સીતારામને એ વાતની સ્પષ્ટતા કરી ઈન્સ્યોરન્સ કવર ૫ લાખ કરવાનો નિર્ણય લીધો હતો જેથી બેંકમાં નાણા ડિપોઝીટ કરનાર લોકોને તેનો લાભ મહદઅંશે મળતો રહે. ક્રેડિટ ગેરેન્ટી કો-ઓપેરશન સ્કિમ હેઠળ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ કવરેજ ડિપોઝીટરોને પહેલા ૧ લાખ રૂપિયા હતો જે હવે વધારી બજેટ ૨૦૨૦-૨૧માં ૫ લાખ કરવાનો નિર્ણય લીધેલ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, સહકારી બેંકોની જે કથળેલી સ્થિતિ જોવા મળે છે તેને ફરીથી બેઠી કરાશે અને તેને આર્થિક રીતે વધુ મજબુત બનાવવામાં આવશે