રાજકોટ માર્કેટ યાર્ડની પાંચમીએ ચૂંટણી
સહકાર જૂથના પરસોત્તમભાઇ સાવલીયા અને કેશુભાઇ નંદાણીયા બિનહરીફ ચૂંટાઇ આવ્યા
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગઇકાલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય કુલ સવારથી સાંજ સુધીમાં 23 ફોર્મ પરત ખેંચાયા હતાં. જ્યારે સહકાર વિભાગની બે બેઠક બિનહરિફ થવા પામી છે. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી આગામી 5મી ઓક્ટોબરે યોજાનાર છે. ત્યારે કુલ 16 બેઠકોમાંથી બે બેઠક બિનહરિફ થતા હવે 14 બેઠકો માટે જંગ જામશે. ગત તા.23ના રોજ 16 બેઠક માટે 58 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં. જેમાંથી 1 ફોર્મ રદ્ થયું હતું.
ત્યારબાદ ગઇકાલે 23 ફોર્મ પરત ખેંચાતા હવે 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થનાર છે. કુલ 16 બેઠકમાંથી સહકાર વિભાગની 2 બેઠક માટે 5 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી 3 ઉમેદવારી પરત ખેંચાતા બંને બેઠક બિનહરિફ થવા પામી છે. જેથી સહકાર જૂથના પરસોત્તમભાઇ સાવલીયા અને કેશુભાઇ નંદાણીયા બિનહરિફ ચૂંટાઇ આવ્યા છે.
રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી બિનહરિફ કરવાની ખેંચતાણમાં ગઇકાલે ફોર્મ પરત ખેંચાતા હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે. આગામી 5મી ઓક્ટોબરે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ માટે ચૂંટણી જંગ રસાકસી ભર્યો રહેશે.