હાલ ઉમેદવાર બે બેઠક ઉપર ચૂંટણી લડી શકતા હોય, બન્ને બેઠક જીત્યા બાદ એક બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવી પડે, જેનાથી પૈસા અને માનવ કલાકનો થતો વ્યય ટાળવાનો પ્રયાસ
ઘણા ઉમેદવારો બે બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવ્યા બાદ જો બન્ને બેઠકો ઉપર જીતે તો એક બેઠકમાંથી રાજીનામુ આપવુ પડે છે. ત્યારબાદ પેટાચૂંટણી જાહેર કરવી પડે છે તેમાં પૈસા અને માનવ કલાકનો વ્યય થતો હોય ચૂંટણી પંચ એક વ્યક્તિ એક બેઠકનો નિયમ લાવવા પૂરું જોર આપી રહ્યું છે.
નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના આવ્યા બાદ ’એક વ્યક્તિ એક સીટ’ નિયમ લાગુ કરવાના પ્રસ્તાવ પર ચૂંટણી પંચે ખૂબ જોર આપ્યુ છે. પહેલી વખત 2004માં આ પ્રસ્તાવ ઈલેક્શન કમિશને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો પરંતુ 18 વર્ષમાં આ નિયમને લાગુ કરવાના સંબંધમાં અમુક પ્રગતિ થઈ શકી નહોતી.
હવે એકવાર ફરી ચૂંટણી પંચે નવી રીતે આ નિયમને લાગુ કરાવવા પર જોર આપવાનુ શરૂ કર્યુ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એકવાર ફરી આ પ્રસ્તાવ વિચાર માટે કેન્દ્રની પાસે મોકલ્યો છે. સાથે જ કેન્દ્રીય કાયદા મંત્રાલયની સાથે આ મુદ્દે ઈલેક્શન કમિશનની ચર્ચા ચાલુ છે.
ચૂંટણીમાં એક વ્યક્તિ એક સીટ નિયમ લાગુ કરવા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ( રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એકટ 1951)માં પરિવર્તન કરવુ પડશે. વર્તમાનમાં જનપ્રતિનિધિત્વ કાનૂનના સેક્શન 33 (7)માં હાજર નિયમો અનુસાર એક વ્યક્તિ બે બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે.
જ્યારે 2004માં પહેલીવાર ચૂંટણી પંચે કેન્દ્ર સરકાર પાસે એક વ્યક્તિ એક બેઠકનો પ્રસ્તાવ મોકલ્યો હતો અને તર્ક આપ્યો હતો કે જો એક વ્યક્તિ 2 બેઠકો પર ચૂંટણી લડે છે અને બંને જગ્યાએથી જીત્યા બાદ એક સીટ ખાલી કરે છે તો પેટાચૂંટણી કરાવવામાં પાછો ખર્ચો આવે છે. એક રીતે આ રૂપિયાનો દુરુપયોગ છે. આને જોતા સીટ છોડનાર ચૂંટાયેલા ઉમેદવારે સરકારના ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવા માટે નિયમ બનાવવાની ભલામણ ચૂંટણી પંચે કરી હતી.
સુપ્રીમમાં પણ એક વ્યક્તિ એક બેઠકને સમર્થન
એક વ્યક્તિ એક સીટના પ્રસ્તાવ પાછળ ચૂંટણી પંચનો તર્ક એ છે કે આનાથી પેટા ચૂંટણીની સ્થિતિ ઉભી થશે નહીં અને સરકારી ખજાના પર પડનારો નાણાકીય બોજો ઓછો કરી શકાશે. અમુક વર્ષ પહેલા કોઈ પણ ઉમેદવારનુ એકથી વધારે સીટ પરથી ચૂંટણી લડવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજી પર પોતાનો પક્ષ મૂકતા ચૂંટણી પંચે એક ઉમેદવાર-એક સીટ પર ચૂંટણી લડવાનુ સમર્થન કર્યુ હતુ.