મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂ.૫૦૦ કરોડી ૫૦૦૦ કરોડ સુધીના ૧૦૦થી વધુ ઈન્ડસ્ટ્રીયલ
પ્રોજેક્ટ્સ અંગે સમીક્ષા કરી પર્યાવરણ સહિતની મંજૂરીઓમાં તાત્કાલીક પગલા ભરવા આદેશ આપ્યા
વિકસીત રાજય તરીકે ગુજરાતની છબી ચળકતી રાખવા રૂ.૫૦૦ કરોડ થી લઈ ૫૦૦૦ કરોડ સુધીના પ્રોજેકટોને ફટાફટ મંજૂરી આપવા માટેની તાકીદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વરિષ્ઠ સરકારી અધિકારીઓને કરી છે.
તાજેતરમાં એડિશ્નલ ચિફ સેક્રેટરી તથા પ્રિન્સીપલ સેક્રેટરી સહિતના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી રૂપાણીની બેઠક થઈ હતી જેમાં ગુજરાતની ઈઝી ડુઈંગ બિઝનેશમાં છબી ઉજળી રાખવા માટે ચર્ચા થઈ હતી. તાજેતરમાં ઈઝી ડુઈંગ બિઝનેશમાં ગુજરાતનું સન ત્રીજા ક્રમેથી પાંચમાં ક્રમે આવી ગયું છે. જેથી હવે ભવિષ્યમાં સન આગળ આવે તે માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં ગુજરાતના વિકાસની ગાથા દર્શાવાઈ તે પણ જરૂરી છે. જેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અધિકારીઓને પ્રોજેકટોને ફટાફટ મંજૂરી આપવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા મુજબ રિવ્યુ મીટીંગમાં વિજયભાઈ રૂપાણીએ રૂ.૫૦૦ કરોડથી ૫૦૦૦ કરોડ વચ્ચેના ૧૦૦થી વધુ ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેકટોની સમીક્ષા કરી હતી અને પ્રોજેકટો માટે જરૂરી પર્યાવરણ સહિતની મંજૂરી માટે અધિકારીઓને જરૂરી પગલા લેવા તાકીદ પણ કરી હતી.
વધુમાં મળતી વિગતો અનુસાર ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન, રેવન્યુ, ફાયનાન્સ, ફોરેસ્ટ એન્ડ એનવાયરમેન્ટ સહિતના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં હાજર હતા. ગત વાઈબ્રન્ટ સમીટમાં ૫૦૦ કરોડી વધુનું મુડી રોકાણ કરનાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ વિભાગોમાં થતી હેરાનગતિ બાબતે થયેલી રજૂઆતોને ધ્યાને લેવાઈ છે. આ બેઠકમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ સરકારી વિભાગોમાં લાંચ રૂશ્વતની ફરિયાદો પણ કરી હતી. આ તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર પ્રયાસ કરી રહી છે.
વિગતો મુજબ ઘણા મહાકાય પ્રોજેકટ એવા છે જેમાં જમીન અને વિજળી માટે હજુ સુધી યોગ્ય મંજૂરીઓ આપવામાં આવી નથી. આ ઉપરાંત ઘણા પ્રોજેકટ અટવાવા પાછળ નાણાકીય સપોટ અને ઈન્ફ્રાસ્ટ્રકચરની ખામી પણ જવાબદાર છે. કેટલીક જરૂરી મંજૂરીઓ ન મળવાના કારણે વિદેશી મુડી રોકાણકારો પણ મુંઝાયા હોવાનું ફલીત થાય છે. પરિણામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હવે ૫૦૦ કરોડથી ૫૦૦૦ કરોડ વચ્ચેના પ્રોજેકટોને ઝડપી મંજૂરી આપવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે.