ભૂમાફિયાઓને ભો’ભેગા કરતા કાયદાને આવકારતા ભંડેરી-ભારદ્વાજ
એક પણ માણસની એક ઈંચ જમીન કોઈપણ ગેરકાયદે હડપ નહીં કરી શકે, ભૂમાફિયાઓની ગુનાહિત પ્રવૃતિઓ ડામી દેવા વિજયભાઈ રૂપાણી સંકલ્પબદ્ધ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજથી ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટની અમલવારીની જાહેરાત કરી છે આ એક્ટને ઐતિહાસિક અને ક્રાંતિકારી ગણાવતા ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની વિજયભાઈ રૂપાણી જેટલા સંવેદનશીલ છે એટલા સખ્ત પણ છે.
સામાન્ય માણસો માટે તેમની સંવેદનશીલતા હરહંમેશ પ્રદર્શિત થતી રહે છે તો ભૂમાફિયાઓ, ગુનેગારો અને ગુંડાઓ વિરુદ્ધ તેમની સખ્તાઈ પણ જોવા મળે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઈથી પેશ આવવાનો જે સખ્ત એક્ટ – કડક કાયદો આજથી અમલમાં મૂક્યો છે તેનાથી સામાન્ય નાગરિક – આમ જનતાને ઘણો ફાયદો થશે. ગુજરાતમાંથી ગુનાખોરી નાબૂદ થશે. ભૂમાફિયાઓને અંકુશમાં લઈ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેમ છે, એમ તેમણે કહ્યું હતું.
વધુમાં ભંડેરી-ભારદ્વાજે કહ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથોસાથ આ બધી પ્રવૃત્તિઓના વેગને કારણે જરૂરી તેવું માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી જમીનના બજાર મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે. જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઈ અને રાતો રાત આર્થિક ઉપાર્જન કરી લેવાના બદઈરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલિકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી અને કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ આવા ભૂમાફિયાઓથી દરેક માણસને રક્ષણ આપશે. હવેથી એકપણ માણસની એક ઈંચ જમીન કોઈપણ ગેરકાયદેસર હડપ નહીં કરી શકે.
રાજ્યમાં અગાઉ ગુનાખોરી નાબૂદ કરવા ગુંડાવિરોધી કાયદો ગુજસીકોકનાં અમલ દ્વારા ગુજરાતને ગુંડામુક્ત બનાવ્યા બાદ આ નવા કાયદા હેઠળ ગુજરાતને ભૂમાફિયામુક્ત બનાવવામાં આવશે. રૂપાણી સરકારને ધરતીપુત્રોની તેમજ ધાર્મિક સંસ્થાઓની જમીન પચાવી પાડી તેના પર બાંધકામ કરી વેચી દેવા સુધીની ગેરકાયદે પ્રવૃત્તિઓ સુધીની ફરીયાદો વખતો વખત મળેલ છે. વ્યક્તિગત કિસ્સાઓમાં પણ રાજ્યમાં અનેક લોકો આવા તત્વોનો શિકાર બન્યાનું ધ્યાન પર આવેલ છે. આ કારણે કેટલીકવાર રાજ્ય સરકાર માટે કાયદો અને વ્યવસ્થા સંબંધી પ્રશ્ર્નો પણ ઉભા થતા હોય છે. તે સંજોગોમાં કોઈપણ સ્વરૂપમાં જમીન પચાવી પાડવા પર આ કાયદાથી પ્રતિબંધ મુકાયો છે. અને આવી પ્રવૃત્તિને ગેરકાયદે જાહેર કરેલ છે. રૂપાણી સરકારની આ કામગીરી ખૂબ જ નોંધનીય અને પ્રશંસનીય છે, તેમ ભંડેરી- ભરદ્વાજે જણાવ્યું હતું.
ગુજરાતમાં આ એક્ટના અમલને પરિણામે ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે. કાયદો અમલમાં આવતા જમીન પચાવી પાડી તેમાં વેચાણ કરી દેવાનો કે આવી પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનારા આ કાયદાના સકંજામાં આવવાથી જન સમાજ જમીન માલિકીના હકો ચિંતામુક્ત થઈ ભોગવી શકશે. વધુમાં ખેડૂતો, ધાર્મિક, સામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ જાહેર ટ્રસ્ટો, સંસ્થાઓ વગેરેને આ કાયદાનું પીઠબળ મળતા તેમના વહીવટમાં સરળતા રહેશે. કડકમાં કડક કાયદાઓના નિર્માણ અને અમલ દ્વારા રૂપાણી સરકાર જમીન પચાવી પાડવાની ભૂમાફિયાની પ્રવૃત્તિઓ ડામી દેવા સંકલ્પબદ્ધ છે એવું અંતમાં નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.