ફોટા અને નામના વિવાદ બાદ સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમમાં અઢી મહિના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ફોટો લગાવાયો: મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની ચેમ્બરોના નોટિસ બોર્ડ પર હજી પૂર્વ મુખ્યમંત્રી સાથેના જ ફોટાઓની હારમાળા
રાજકોટ મહાનગરપાલિકાની ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી સામાન્ય ચુંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો હતો. સભ્ય સંખ્યા બોર્ડ 68 પહોંચતા સ્ટેન્ડિંગ કમિટિનો કોન્ફરન્સરૂમ ટૂંકો પડતા લાખો રૂપિયાના ખર્ચે આ મિટિંગ હોલનું રિનોવેશન કરી તેને મોટો કરવામાં આવ્યો હતો. ગત 15મી ઓગષ્ટના રોજ તેનું લોકાર્પણ કરાયું હતું. ગઇકાલ સુધી આ કોન્ફરન્સરૂમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કટઆઉટ લગાવવામાં આવ્યા હતાં.
દરમિયાન છેલ્લા ઘણા સમયથી શહેર ભાજપમાં ફોટા અને નામકરણને લઇને મોટા વિવાદ ચાલી રહ્યો છે. જેના પગલે અઢી મહિનાના લાંબા અંતરાલ બાદ અંતે સ્ટેન્ડિંગના કોન્ફરન્સરૂમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ફોટો હટાવીને રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ફોટો લગાવવામાં આવ્યો છે.
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ શહેર ભાજપ અને કોર્પોરેશનમાં ભાજપના સત્તાધિશો નવા મુખ્યમંત્રીને સ્વિકારવા જાણે મનથી તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ મહાપાલિકા સ્થિત કાર્યાલયમાં પણ મુખ્યમંત્રી તરીકે વિજયભાઇનો જ ફોટો રાખવામાં આવ્યો હતો. જે એકાદ મહિના પૂર્વે હટાવી ભૂપેન્દ્રભાઇ પટેલનો ફોટો મુકવામાં આવ્યો છે.
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટિના મિટિંગરૂમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના તાત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો કટઆઉટ ફોટા જે એલઇડી લાઇટની ઝળહળતા હતા તે લોકાર્પણ વેળાંએ લગાવવામાં આવ્યા હતા. ગત 12મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. છતાં આજ સુધી સ્ટેન્ડિંગ મિટિંગરૂમમાંથી વિજયભાઇનો ફોટો હટાવીને ત્યાં ભૂપેન્દ્રભાઇ પટેલનો ફોટો રાખવાની તસ્દી લેવામાં આવી ન હતી. તાજેતરમાં શહેર ભાજપમાં નામ અને ફોટાના વિવાદો ઉભા થયાં બાદ સ્ટેન્ડિંગ કમિટિના કોન્ફરન્સરૂમમાંથી તાબડતોબ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ફોટો હટાવી તેના સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ફોટો લગાવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ હજી મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના પદાધિકારીઓની ચેમ્બરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથેના ફોટાની હારમાળા જોવા મળી છે.