- ઉદ્યોગ – વેપારના તમામ પ્રશ્ર્નોનો યોગ્ય નિકાલ લાવવા સરકાર સંકલ્પ બઘ્ધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ પ્રદેશો, જિલ્લાઓ અને મહાનગરોમાં ઉદ્યોગ-વેપાર સાથે સંકળાયેલા 100 ઉપરાંત વિવિધ ઉદ્યોગ-વ્યાપાર સંગઠનો, ઔદ્યોગિક વસાહતોના મંડળો તથા એસોસિએશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગ-વેપારકારોની સમસ્યાઓ-પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવીને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે સામૂહિક ચર્ચા-મંથનની બેઠકના આયોજનનો નવતર અભિગમ અપનાવ્યો છે.
તદનુસાર, આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના વિવિધ વિસ્તારો તથા જિલ્લાઓના ઔદ્યોગિક વ્યાપાર વાણિજ્ય સંગઠનોએ જીઆઇડીસી વસાહતના અને ડબલ ટેક્સેશનના પ્રશ્નો, એમએસએમઇ ને સિંગલ વિન્ડો સિસ્ટમનો લાભ, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, ઉદ્યોગના સ્થળે અકસ્માતના કિસ્સામાં ઉદ્યોગકાર સામે લગાવવામાં આવતી શિક્ષાત્મક કલમ 304 અ દૂર કરવી, સાણંદ જીઆઇડીસીમાં હોસ્પિટલ, શાળા, ફાયર સ્ટેશન જેવી પાયાની સુવિધા વધુ સંગીન બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને તેના યોગ્ય અને ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારની નેમ તથા હકારાત્મક અભિગમ દર્શાવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ-વ્યાપાર સંગઠનો સાથે આવી સામૂહિક ચર્ચા-મંથન બેઠકનું સમયાંતરે નિયમિત આયોજન થાય તે માટેના દિશાનિર્દેશો પણ ઉદ્યોગ વિભાગને સ્થળ પર જ આપ્યા હતા.
તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતમાં જે મજબૂત વિકાસનો પાયો નખાયો છે તેના પરિણામે ગુજરાત આજે સુદ્રઢ નાણાં વ્યવસ્થાપન ધરાવતું રાજ્ય બન્યુ છે. એટલું જ નહિ, ઉદ્યોગ-વેપારને કોઈ નુકસાન ન થાય કે વિપરીત અસર ન પડે તેવી રીતે પ્રશ્નોના યોગ્ય નિવારણના પગલાં લેવા રાજ્ય સરકાર કૃત સંકલ્પ છે.
આ બેઠકમાં થયેલી ચર્ચાઓ તથા સામૂહિક વિચાર-મંથન અંગે ઉદ્યોગકારોના સંગઠનો, વેપારી મંડળોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના આ પ્રો-એક્ટીવ, પ્રો-પીપલ ગવર્નન્સની પ્રશંસા કરતા આ પહેલને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપનારી ગણાવી હતી.
મુખ્યમંત્રીએ ઉદ્યોગકારો-વ્યાપાર સંગઠનોને પાણી બચાવવાના તથા જળસંચયના ‘કેચ ધ રેઈન કેમ્પેઇન, પર્યાવરણ રક્ષા માટે વધુને વધુ વૃક્ષોનો ઉછેર તેમજ ઔદ્યોગિક વસાહતમાં સ્વચ્છતા જાળવવાની દિશામાં સક્રિય યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, જીઆઇડીસીના એમ.ડી. પ્રવિણા ડી.કે, તેમજ સી.આઇ.આઇ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એસોચેમ તથા વડોદરા, સુરત, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, કચ્છ, બનાસકાંઠા સુરેન્દ્રનગર, જામનગર, ગાંધીનગરની ઔદ્યોગિક વસાહતોના સંગઠનોના પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા.