મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ભારતના પ્રથમ અને સૌથી લાંબા ફેબેકસા વર્ચ્યુઅલ એક્સિબિઝેશનનું ઇ-ઉદ્દઘાટન કરાયું
મસ્કતી માર્કેટ મહાજન દ્વારા આયોજિત આ ટેક્સટાઇલ વર્ચ્યુઅલ એક્સિબિઝેશન આજથી ૯૦થી દિવસ માટે ખુલ્લુ રહેશે: જેમાં ૧૦૦થી વધુ દેશ-વિદેશના લાખો વેપારી-ઉદ્યોગપતિઓ જોડાશે
ગુજરાત સરકારની ટેક્સટાઇલ ફ્રેન્ડલી નવી નીતિના પરિણામે આજે ગુજરાતમાં અમદાવાદ અને સુરત ટેક્સટાઇલ્સના હબ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારતના ટેક્સટાઇલ્સ ઉદ્યોગને વધુ બળ આપવા ફાર્મ ટુ ફાયબર, ફાયબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન એમ ૫-એફ ફોર્મ્યુલા ઉપર વધુ ભાર મુકવા કાપડ ઉદ્યોગના વેપારીઓને અનુરોધ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી ઇ-ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતના પ્રથમ અને સૌથી લાંબા ફેબેકસા વર્ચ્યુઅલ એક્સિબિઝેશનનું ઇ-ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ટેક્સટાઇલ અંગેની આ વર્ચ્યુઅલ એક્ઝિબિશનના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે, આજના કોરોનાની મહામારીમાં પણ કોઇપણ સમયે કોઇ પણ વ્યક્તિ પોતાના ઘરે બેઠા બેઠા પોતાના સમયે કોઇપણ ડર વિના આ એક્ઝિબિશનની ઇ-મુલાકાત લઈ શકે છે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા જાન ભી હે જહાન ભી હૈના મંત્રને આ વર્ચ્યુઅલ એક્ઝિબિશને સાચા અર્થમાં સાકાર કર્યો છે. કોરોનાના કારણે આપણી કામ કરવાની શૈલી પણ બદલાઇ છે. જેનું આજનું આ વર્ચ્યુઅલ એક્ઝિબિશન ઉત્તમ ઉદાહરણ છે. આપણા સૌ માટે આ વિન વિન સિચ્યુએશન છે. ફિઝિકલી એક્ઝિબિશન કરતાં પણ આજથી ૯૦ દિવસ ચાલનારા આ ઇ-ટેક્સટાઇલ્સ એક્ઝિબિશનમાં ભારત સહિત ૧૦૦થી વધુ દેશ-વિદેશના લોકો ભાગ લેશે – મુલાકાત લેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદમાં આવેલું મસ્કતી કાપડ મહાજન ૧૧૪ વર્ષ જૂનું પ્રતિષ્ઠિત કાપડ સંગઠન છે. અમદાવાદમાં વર્ષ ૧૮૬૧ સૌ પ્રથમ કાપડ મીલ રણછોડલાલ છોટાલાલે સ્થાપી હતી. નવા નવા સુધારા સાથે ગુજરાત આજે ટેક્સટાઇલ ઉદ્યોગમાં અગ્રેસર રાજ્ય છે. જેમાં ગુજરાત સરકારની પોલીસી ડ્રિવન નીતિ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં કોટન ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત રાજ્યનો હિસ્સો ૩૩ ટકા છે. જેના પરિણામે ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં રોજગાર ઉપલબ્ધ થાય છે. ગુજરાત સરકારની ટેક્સટાઇલ્સ પ્રોત્સાહિત નીતિને પરિણામે ૨૮ ટેક્સટાઇલ્સ પાર્ક આકાર લઈ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત સરકારે ટેક્સટાઇલ્સમાં વ્યાજ રાહત, ટેરિફ, વીજળી, સબસિડી જેવી રાહતો આપી છે. જેના કારણે આજે ગુજરાત વિવિધ ક્ષેત્રે રોકાણમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. સરકાર તમામ નીતિઓમાં વર્તમાન જરૂરિયાતને ધ્યાને રાખીને ૩૬૦ ડીગ્રીએ બદલાવ કર્યા છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મસ્કતી મહાજન દ્વારા આયોજીત આ વર્ચ્યુઅલ એક્ઝિબિશનથી ગુજરાતના ટેક્સટાઇલ્સ ઉદ્યોગને વધુ વેગ મળશે. ગુજરાત આજે કોરોનાની મહામારી સામે સફળતાપૂર્વક લડી રહ્યું છે. ત્યારે મસ્કતી મહાજનના આ ટેક્સટાઇલ્સ એક્ઝિબિશનના વર્ચ્યુઅલ આયોજન ગુજરાતની વિકાસયાત્રા આગળ વધારીને ગુજરાતનો વિકાસ સોળે કલાએ થઈ રહ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીએ તમામ આયોજકોને અભિનંદન આપી એક્ઝિબિશનની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ચ્યુઅલ ટેક્સટાઇલ્સ એક્ઝિબિશનમાં કોઇપણ વ્યક્તિ ઓનલાઇનના માધ્યમથી લોગિન કરીને તેની વર્ચ્યુઅલ મુલાકાત લઇ શકે છે. જેમાં વિવિધ કંપનીઓના વર્ચ્યુઅલ સ્ટોરની મુલાકાત લઈને તેની પ્રોડક્સ અંગેની માહિતી મેળવી શકે છે અને જરૂર પડે તો તેના સેલ્સ પ્રતિનિધિ સાથે વાત કરીને વધુ માહિતી પણ મેળવી શકે છે.
ઇ-ઉદ્દઘાટન પ્રસંગે ગાંધીનગર ખાતેથી મસ્કતી કાપડ માર્કેટના પ્રમુખ ગૌરંગભાઇ ભગત, સેક્રેટરી નરેશભાઇ શર્મા, ફેબેકસાના ચેરમેન બાબુભાઇ સોનીગરા, રિલાયન્સના માર્કેટ હેડ વિવિકેભાઇ તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશ-વિદેશથી કાપડના વેપારીઓ મોટા પ્રમાણમાં જોડાયા હતા.