ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું
અબતક,ચિંતન ગઢીયા
ઉના
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ઉના ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત સૌ મહાનુભાવોને આપ સૌમાં વિશ્વાસ છે અને એ દિશામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જન સેવા માં સમર્પિત છે.મુખ્યમંત્રીએ નવા વર્ષમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા કાર્યકરોને સંકલ્પ લેવા આહવાન કર્યું હતું.
આ પૂર્વે ઉનાના હેલીપેડ ખાતે પણ પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ અગ્રણી ઝવેરભાઇ ઠકરાર જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, કાળુભાઇ રાઠોડ, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને સંગઠનનાં પદાધિકારીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.ઉના ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અરવિંદભાઈ રૈયાણી એ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગામડાઓમાં સુવિધાઓ વધે તે માટે અભિયાન હાથ ધર્યું છે. સેવા સેતુ ના કાર્યક્રમ થકી 57 જેટલી સેવાઓ લોકોને ઘરઆંગણે મળી રહી છે.
પ્રદેશ મહામંત્રી ઝવેરભાઈ ઠકરારે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, નવા વર્ષમાં નાના- મોટી રહેલી ક્ષતિઓ દૂર કરી, કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા 440 જેટલી અમલી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાની સાથે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી પ્રારંભ કરવામાં આવેલ બીનચેપી રોગોનું પ્રમાણ ઘટાડવા માટેના નિરામય ગુજરાત અભિયાનનો લાભ લોકો સુધી પહોંચાડવામાં સહભાગી બનીએ. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી પરિવાર ભાવના સાથે સૌને રાખીને ચાલનારી પાર્ટી છે. કોરોના મહામારીના કપરાકાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરકાર સાથે રહી લોકો વચ્ચે જઈ સતત સેવા કરી છે. સાથે જ તેમણે ગીર સોમનાથ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકમાં વિજયી બનાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું.કાર્યક્રમના પ્રારંભે ગીર સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ માનસિંગભાઈ પરમારે મુખ્યમંત્રી સહિત સૌ આગેવાનો કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત કરી ભારતીય જનતા પાર્ટીની જનસેવાની અને રાષ્ટ્રીય સેવાની ભાવના સ્પષ્ટ કરી અટલજીના કદમ મિલાકે ચલના હોગા ગાન સાથે કાર્યકર્તાઓને પ્રેરક વાત કરી હતી.વંદે માતરમ ગાન અને બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક ગીત રજુ કરાયું હતુ
આ સ્નેહમિલનમાં પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, રાજશીભાઈ જોટવા, ગોવિંદભાઈ પરમાર, જે. ડી. સોલંકી,ઉના નગરપાલિકાના જલ્પાબેન બાંભણીયા, અગ્રણી બચુભાઈ વાજા, ભાવેશભાઈ ઉપાધ્યાય, હરિભાઈ, પક્ષ અગ્રણી રધુભાઇ, વિશાલ વોરા, ડો. વઘાસીયા, વજુભાઈ વાજા, મીતેશ શાહ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ- આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.