“ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંઝે પાંખ, વણદીઠી ભોમકા પર યૌવન માંડે આંખ
નિરંતર શકિતનો સ્ત્રોત અને કોઇપણ પડકારોને ઝીલી લે એ જ સાચો યુવાન. એટલે જ કહેવાયુ છે કે, ” ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંઝે પાંખ, વણદીઠી ભોમકા પર યૌવન માંડે આંખ રાજયના આવા યુવાઓના ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવાના સપનાઓને આ સરકારે સાકાર કર્યા છે. અત્યાર સુધી રાજયના ઘણા યુવાઓ પોતાની વ્યક્તિગત આર્થિક વિષમ પરિસ્થિતિના કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવાથી વંચિત રહી જતા હતા જેના કારણે ઘણા પ્રતિભાવાન વિદ્યાર્થી આગળ અભ્યાસ કરવામાં મૂંઝાતા હતા પરંતુ રાજ્ય સરકારની સંવેદનશીલતામાંથી ઉદ્દભવેલી યોજનાએ આજે આખું ચિત્ર પલટી નાખ્યું છે. રાજયના યુવાઓને ઉચ્ચ શિક્ષણ મેળવી ‘જોબ સીકર’ નહીં પણ ‘જોબ ગીવર’ બનાવવાના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિર્ધારને પરિપૂર્ણ કરતી આ યોજના એટલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ યોજના થકી રાજયના અસંખ્ય યુવાઓના ઉચ્ચ શિક્ષણના સ્વપ્નો સાકાર થઈ રહયાં છે.
આ યોજનાના લાભાર્થી એવા મૂળ બોટાદના વતની અને હાલ રાજકોટ ખાતે બી. ટેક ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અભ્યાસ કરતા સંદીપ માથોડીયાને આ યોજના દ્વારા રાજ્ય સરકાર તરફથી ૪૯,૦૦૦ રૂપિયાની સહાય મળી છે. જેમાં ટ્યુશન ફી, હોસ્ટેલ ફી અને પુસ્તકોની સહાયનો સમાવેશ થાય છે. આ સહાય થકી ઉચ્ચ અભ્યાસ માટેના તેમના સપનાઓ સાકાર થઈ રહયા હોવાનું ઉત્સાહભેર જણાવતાં સંદીપે કહયું હતુ કે, ” અમારો પરિવાર મધ્યમવર્ગીય છે, મારા પિતા ખેતીકામ કરે છે. તેના કારણે મોંઘી ફી ભરવાની ક્ષમતા અમારા પરિવારની નથી. પરંતુ રાજ્ય સરકારની આ સુંદર યોજનાએ મારા આગળ અભ્યાસના સપનાઓને સાકાર કર્યા છે. આ યોજનાના થકી મને આર્થિક સહાય મળી મળી છે. રાજ્ય સરકાર મારા અને મારા પરિવાર માટે વરદાનરૂપ સાબિત થઈ છે.”
સંદીપની વાતની સાથે પોતાનો સૂર પુરાવતા મૂળ કોડીનારના વતની અને હાલ રાજકોટમાં બેચરલ ઓફ આયુર્વેદિક એન્ડ સર્જરીનો અભ્યાસ કરતા શિવાંગી વાજાએ જણાવ્યું હતુ કે, દરેક પરિવારની પરિસ્થિતિ આર્થિક રીતે સારી નથી હોતી. મારે ડોકટર બનવું હતુ, નાણાંના અભાવે મારૂં ડોકટર બનવાનું સ્વપ્ન કદાચ “સ્વપ્ન જ રહી જાત. તેવા સમયે રાજ્ય સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત મને રૂપિયા ૬૨,૦૦૦₹ ની સહાય મળી. જે મારા માટે વરદાનરૂપ બની.
માત્ર યુવાનો જ નહીં પરંતુ આર્થિક સંકળામણ ધરાવતાં ઘણા પરિવારો પણ પોતાના તેજસ્વી દિકરા – દિકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે ચિંતીત હોય છે. આવા પરિવારોની ચિંતા ને પણ આ યોજનાએ દૂર કરી છે. મૂળ બગસરાના વતની અને હાલ રાજકોટ ખાતે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અભ્યાસ કરી રહેલા ઋષિ અટારાના વાલી સમીરાભાઈ જણાવે છે કે,”ઋષિના પિતાજી માર્કેટિંગનું કામ કરે છે. તેમના પરિવારની પરિસ્થિતિ ખુબ જ મધ્યમ છે. વાર્ષિક રૂપિયા ૫૦,૦૦૦ જેટલી ફી ભરવી એ તેમના માટે અત્યંત કઠિન હતી, તેવા સમયે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમારા પરિવાર માટે આશિર્વાદરૂપ બનીને આવી છે. આ યોજનામાં અમને રાજ્ય સરકાર દ્વારા ૫૦ ટકા ફી પેટે રૂપિયા ૨૫,૦૦૦ મળ્યા છે. આ ઉપરાંત મને હોસ્ટેલ અને પાઠયપુસ્તકોના ખર્ચના મળી કુલ રૂપિયા ૫૦,૦૦૦ ઋષિના અભ્યાસ માટે અમને મળ્યા છે. કોઈપણ મધ્યમવર્ગીય પરિવાર માટે આ ખૂબ જ મહત્વની વાત કહેવાય. અમે આ માટે મુખ્યમંત્રીશ્રીના આભારી છીએ.
રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી રહી છે. તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અનેક લોકો જનજાગૃતિના માધ્યમ બની લાભાર્થીઓને સરકારની આવી યોજનાનો લાભ મળે તે માટેની દિશા બતાવતાં હોય છે. આવા લોકો પૈકીના એક એટલે રાજકોટની આર. કે. યુનિવર્સીટીના ઇલેકટ્રોનિકસ અને કમ્યુનિકેશનના પ્રોફેસર રાધિકાબેન સેંજલીયા. કે જેઓ રાજય સરકારની યુવા સ્વાવલંબન યોજનાના વાહક બની આજે આ યોજનાના સાચા લાભાર્થીઓ એવા વિદ્યાર્થીઓ સુધી આ યોજનાને સાચા અર્થમાં પહોંચાડી રહયાં છે. તેઓ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપવાની સાથે – સાથે ઓનલાઇન ફોર્મ ભરવાથી લઈને યોજનાના લાભ સુધીની સંપૂર્ણ માહિતી તેઓ સેમિનારના માધ્યમથી આપે છે. માત્ર એટલું જ નહીં તેમણે વિદ્યાર્થીઓ યોજના વિશે માહિતગાર બને તે માટે વોટ્સએપ ગ્રુપ પણ તેમણે બનાવ્યુ છે. જેના માધ્યમથી તેઓ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરે છે. આ યોજના વિશે રાધિકાબેન જણાવે છે કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એ દરેક વિદ્યાર્થી માટે સ્વાવલંબીત થવાનું પહેલું પગલું છે. એવા વિદ્યાર્થીઓ કે જે આર્થિક તંગીના કારણે અભ્યાસ નથી કરી શકતા તેને રાજ્ય સરકાર ટ્યુશન ફી, સાધન-સહાય પુસ્તક ફી અને રહેવા જમવા સહિતની ફી ચૂકવે છે. જેનાથી વિદ્યાર્થીઓ તેમની મનગમતી વિદ્યાશાખામાં અભ્યાસ કરી શકે છે. રાજ્ય સરકારનું આ પગલું સાચા અર્થમાં આજે યુવાઓના સ્વપ્નોને સાકાર કરી રહયું છે.