મંદિર નિર્માણના દાતા ભીખુભાઇ કેશુભાઇ ધામેલીયા પરિવારની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થઈ રહેલા પાર્વતી મંદિર અને તેના બાંધકામ વિશેષતા સહિતની માહિતી મેળવી હતી.સોમનાથ મંદિર પ્રાંગણમાં રૂ. 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિર બાંધવામાં આવી રહ્યું છે. આ મંદિર નિર્માણના દાતા ભીખુભાઈ કેશુભાઈ ધામેલીયા અને પરિવારના સદસ્યોએ સોમનાથ ખાતે પધારેલા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મંદિર નિર્માણની વિશેષતાઓની માહિતી આપી હતી. આ મંદિર અંબાજીના આરસથી બાંધવામાં આવશે.
મંદિરનું શિખર 71 ફૂટનું અને અલગ-અલગ 44 સ્તંભ કોતરણી સાથે નૃત્ય મંડપ પણ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ બનનાર મંદિરની પ્રતિકૃતિ પણ નિહાળી હતી.આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી પણ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર અને પરિસર વિસ્તારમાં વિકાસલક્ષી અને યાત્રિકોની સુવિધાલક્ષી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહુર્ત થવા જઈ રહ્યું છે, આ પ્રસંગે સહભાગી થવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમનાથમાં છે.