ઉઝબેક બાળકોએ હિન્દીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના ચોથા દિવસનો પ્રારંભ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદની સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મૂલાકાતથી કર્યો હતો. મુખ્યમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીના નામ સાથે જોડાયેલી આ શાળા પરિસરમાં શાસ્ત્રીજીની પ્રતિમા સમક્ષ પૂષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. તેમણે શાળામાં શાસ્ત્રી મેમોરિયલની પણ મૂલાકાત કરી હતી.
મુખ્યમંત્રીએ મેમોરિયલ મૂલાકાત બાદ વિઝીટર બૂકમાં પાઠવેલા સંદેશામાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીને હ્વદયપૂર્વક ભાવભીની અંજલિ આપતાં લખ્યું કે, આવનારી સદીઓ સુધી સ્વ. શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનૂભુતિ આપણને આ સ્કૂલ – મેમોરિયલ કરાવતા રહેશે.
વધુમાં સ્વ. શાસ્ત્રીજીએ પ્રધાનમંત્રી તરીકે ભારતના સામાજિક અને આર્થિક વિકાસને આગળ ધપાવવામાં અતૂલનીય યોગદાન આપેલું છે. શાસ્ત્રીજીનો જય જવાન-જય કિસાનનો નારો આજે પણ યુવાશકિતના મન-ચિત્તમાં જોશ અને ઉમંગની નવી લહેર ઊભી કરી દે છે. સ્વ. લાલબહાદૂર શાસ્ત્રીજીએ કવેળાએ આપણી વચ્ચેથી વિદાય લીધી, પરંતુ દેશ માટે એમના ત્યાગ અને સમર્પણે ભારતના હરેક ઘરમાં તેમને જીવીત રાખ્યા છે. આ જ કારણથી શાસ્ત્રીજી પ્રત્યેક ભારતીયના દિલમાં વસી ગયા છે.
આવનારી સદીઓ સુધી સ્વ. શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનૂભુતિ આ સ્કૂલ આપણને કરાવતી રહેશે. તેમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળના સભ્યો સમક્ષ સ્કૂલના બાળકોએ હિન્દી ભાષામાં સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરી હતી. વિજયભાઇ પણ આ બાળકોને પ્રત્યક્ષ મળ્યા હતા અને સંવાદ કર્યો હતો.
ગાંધી જીવન કવન પ્રદર્શનનું ઉદઘાટન
હાલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયાં છે ત્યારે વિવિધ સંસઓની મુલાકાત લઈ રહ્યાં છે જે અંતર્ગત મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં યોજાઈ રહેલા ગાંધી જીવન કવન પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.