ઇ-ગુજકોપ અંતર્ગત સીસીટીવી નેટવર્કને વધુ સઘન બનાવાશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
રાજ્યમાં વધુમાં વધુ પોલીસ સ્ટેશનો અને વડી કચેરીઓને સીસીટીવી કેમેરાના નેટવર્ક અને સોફ્ટવેરથી જોડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઇકાલે ઇ-ગુજકોપ અંતર્ગત સીસીટીવી નેટવર્કને વધુ સઘન બનાવવા માટે બેઠક યોજી હતી. વિશ્ર્વાસ પ્રોજેક્ટ ફેઝ-2માં 9 હજાર સીસીટીવી કેમેરા લગાવાશે.
ગુજરાત ફાઈવ-જી યુગમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે ગૃહ વિભાગ પોલીસને પણ સ્માર્ટ પોલીસીંગ તરફ અગ્રેસર કરી રહ્યું છે. સીસીટીવી અને આર્ટિફિસિયલ ઈન્ટેલીજન્સના ઉપયોગ દ્વારા ગુનાનો ઝડપી ઉકેલ લાવવા તેમજ જનતાની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષાતામાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. વિશ્ર્વાસ પ્રોજેક્ટના બીજા ફેઝમાં સમગ્ર રાજ્યમાં 9 હજાર જેટલા સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવા અંગે આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. વિશ્ર્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 8 હજાર જેટલા કેમેરાનું નેટવર્ક રાજ્યભરમાં સ્થાપી ગુના નિવારણ ઝડપી બનાવાયું હતું. નેટવર્કની સાથો-સાથ સોફ્ટવેર અને આર્ટિફિસિયલ ઈન્ટેલીજન્સ દ્વારા સમગ્ર રાજ્યને સુરક્ષિત કરવાની દિશામાં આ બેઠક મહત્વની પુરવાર થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ઈ-ગુજકોપના માધ્યમથી સ્માર્ટ પોલીસીંગની શરૂઆત કરાઈ હતી. હાલમાં વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ-2ની શરૂઆત પહેલા સીસીટીવી અને સોફ્ટવેર ખરીદી અંગે, તેના ટેન્ડર અને મેઈટેનન્સ કોન્ટ્રાક્ટ વગેરેની પારદર્શકતા સંદર્ભે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજ્યની તમામ વડી કચેરીઓ અને ખાસ કરીને વધુમાં વધુ પોલીસ સ્ટેશનોને સીસીટીવી નેટવર્ક અને સોફ્ટવેરથી જોડવા માટે સુચન આપવામાં આવ્યું હતું. જેને અમલમાં મુકવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને સુચના પાઠવી છે.
અદ્યતન નેટવર્ક સાથે અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ પોલીસ વિભાગને મળી રહે તે સંદર્ભે પણ ચર્ચા કરાઈ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત 33 જિલ્લા મુખ્ય મથક ખાતે નેત્રમ(કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર) કાર્યરત છે અને ડીજીપી કચેરી ખાતે ત્રિનેત્ર (સેન્ટ્રલ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર)નું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજમાર્ગોના તમામ ટોલ પ્લાઝાને પણ જિલ્લાના નેત્રમ ખાતે લાવવાનું સુચવાયેલ છે. ફેઝ-1 માં બાકી રહેલી 51 જેટલી નગરપાલિકાઓ, રાજ્યમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ અને અગત્યના ટ્રાફીક જંક્શન પર આ નેટવર્ક વિસ્તારવામાં આવશે.