આગામી પાંચ વર્ષમાં દેશ વિકાસની નવી ઉંચાઈ હાંસલ કરશે: જનતાના સપના સાકાર થશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકસભા ચૂંટણીના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દેશના ચોકીદાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસવાદી રાજનીતિ, ઈમાનદારી, મજબૂત નિર્ણાયકશક્તિ અને રાષ્ટ્રવાદી રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કરીને દેશની જનતાએ સતત બીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત સાથે પ્રચંડ વિજય અપાવ્યો છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, આ જીત દરેક ભારતવાસીની જીત છે આજે સમગ્ર દેશમાં મોદી લહેર છે. હવે આપણા નરેન્દ્રભાઈ ફક્ત ગુજરાત કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યપધ્ધતિ પર કોઈ શંકા કરી શકે તેમ નથી.
આ ચૂંટણીમાં નરેન્દ્રભાઇ મોદી જનતાનો ભરોસો બની ચૂક્યા છે જેના અનુસંધાને વર્તમાન પરિણામો લોકમન અને લોકમતનું સ્પષ્ટ પ્રતિબિંબ દર્શાવે છે. આગામી પાંચ વર્ષમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરશે અને જનતાના સપના સાકાર થશે. જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને સરકારની નીતિઓ પર ભરોસો છે તે આજના પરિણામો પરથી સિધ્ધ થયુ છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની અભૂતપૂર્વ સંગઠનશક્તિ વિશે વાત કરતા રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના યશસ્વી નેતૃત્વ, કુશળ સંગઠનશક્તિ અને ચાણક્યનીતિએ દેશભરના ભાજપાના કરોડો કાર્યકર્તાઓને પ્રેરણા પુરી પાડી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની દેન છે કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા જેવા રાજ્યોમાં ભાજપાએ આજે શાનદાર પ્રદર્શન કર્યું છે.
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રહિતમાં પોતાના જીવ ગુમાવનાર ૮૦ થી વધુ કાર્યકર્તાઓના બલિદાનને યાદ કરી મુખ્યમંત્રીએ તેમને નમન કર્યું હતું.ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક પર તેમજ ચાર વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપાને ભવ્યાતિભવ્ય વિજય અપાવવા બદલ મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાજનાર્દન અને ભાજપા ગુજરાતના નેતૃત્વ તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક ગુજરાતી જ્યારે પ્રધાનમંત્રી બનતો હોય તો ગુજરાત યોગદાન આપવામાં કેવી રીતે પાછળ રહી શકે ? ગુજરાતની જનતાના પ્રધાનમંત્રી પ્રત્યેના પ્રેમ, લાગણી અને વિશ્વાસના કારણે જ ભાજપા ફરી એક વખત તમામ ૨૬ બેઠક પર વિજય પ્રાપ્ત કરવામાં સફળ નિવડી છે.
રૂપાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ જનતાના જનાદેશને સહજતાથી સ્વીકારવાને બદલે તેની અવગણના કરીને પોતાની હારનું ઠીકરું ઈવીએમ પર ફોડી રહી છે. લોકતાંત્રિક વ્યવસ્થાઓનો અસ્વીકાર કરવો એ લોકતંત્ર માટે ખૂબ જ ઘાતક છે.