- રાજયની આઠેય મહાપાલિકાના પદાધિકારીઓના ક્લાસ લેતા CM
- તમારી આંતરિક લડાઇના કારણે પાર્ટી બદનામ થાય છે, પ્રજાના કામ કરવાની તક મળી છે તો પાંચ કામો એવા કરો કે લોકો કાયમ યાદ રાખે
- શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત 31 હજાર કરોડની ફાળવણી કરાય છે: પૈસાના વાંકે શહેરોનો વિકાસ નહી અટકે, કોઇ પ્રશ્ર્ન હોય તો સરકાર બેઠી છે, વિકાસનો વધુ વેગ આપો: ભુપેન્દ્ર પટેલ
રાજય સરકાર દ્વારા વર્ષ 2025 ની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગ માટેની નાણાકીય જોગવાઇમાં 40 ટકાનો માતબર વધારો કરવામાં આવ્યો છે. શહેરોના વિકાસ માટે 31 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સંદર્ભે ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજયની તમામ આઠેય મહાનગરપાલિકાના મુખ્ય પાંચેય પદાધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં સી.એમ.એ તમામને ખભ્ભે ખભ્ભા મીલાવી સંપીને વિકાસ કામો કરવાની શિખામણ આપી હતી. એકાબીજાના ટાંટિયા ખેંચવાનું બંધ કરી દેવા ટકોર કરી હતી.
રાજકોટ સહિત રાજયની કેટલીક મહાનગરપાલિકામાં પાંચ મુખ પદાધિકારીઓ વચ્ચે મનમેળ નથી. જેના કારણે છાશવારે સામાન્ય બાબતમાં પણ વાદ-વિવાદ ઉભા થાય છે. ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ એમ રાજયની આઠેય મહાપાલિકાના મુખ્ય પાંચ પદાધિકારી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડક સાથે એક બેઠક યોજી હતી.
જેમાં સીએમએ એવી ટકોર કરી હતી કે તમામે સંપીને કામ કરવું જોઇએ એકાબીજાના ટાંટીયા ખેંચવાનું બંધ કરી દેવું જોઇએ. તમારી અંદરો અંદરની આંતરીત લડાઇથી પાર્ટી બદનામ થઇ રહી છે. સંકલનમાં રહીને કામ કરવા જોઇએ બધા આપડા જ છે તેવી ભાવના સાથે કામ કરો વિકાસ કામોની ચર્ચા સાથે ચૂંટણી પૂર્વ તેઓએ વાદ-વિવાદથી દુર રહેવા ટકોર કરી હતી. સાથો સાથે જણાવ્યું હતું કે, કોઇપણ શહેરમાંથી ભ્રષ્ટાચારની ફરીયાદો આવવી જોઇએ નહી નાગરીકોને કોઇ અગવડતા ન પડે તે માટે દરેક નગર સેવકે પોતાના મત વિસ્તારમાં નિયમિત પ્રવાસ કરવાની પણ સુચના આપી હતી.
સી.એમ.એ. વધુમાં એવું પણ કહ્યું હતું કે શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત આ વર્ષ રાજય સરકાર દ્વારા શહેરોના વિકાસ માટે 31 હજાર કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરવામાં આવી છે. દરેક મહાનગરો પોતાના શહેરોમાં વિકાસને વેગ આપે નાણાના વાંકે રાજયના એક પણ શહેરોમાં વિકાસ કામો અટકશે નહીં.
પ્રજાના કામ કરવાની તમને તક મળી છે. અઢી વર્ષની ટર્મમાં વિકાસના પાંચ કામો એવા કરો કે લોકો તમને કાયમી માટે યાદ રાખે. સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ સાથે રાજયમાં પણ ભાજપની સરકાર છે તેનો ભરપુર લાભ ઉઠાવવો જોઇએ.
મુખ્યમંત્રીએ અલગ અલગ મહાપાલિકાઓના રાજય સરકાર લેવલે પેન્ડીંગ પ્રશ્નોની પણ યાદી મેળવી હતી. સંબંધીત વિભાગના અધિકારીઓને જેમ બને તેમ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા તાકીદ પણ કરી હતી. તમામ મહાપાલિકાઓ સારુ કામ કરી રહી છે. તેમાં કોઇ શંકા નથી. પરંતુ રાજયના વિકાસના કામો વધુ વેગવાન બને તેવો સરકારનો હેતું છે. શહેરીવિકાસ વર્ષની ઉજવણી યાદગાર બની રહે તેવા કામો કરવાની તાકીદ કરી હતી. તમામ શહેરોના પડતર પ્રશ્નનો પણ ઝડપથી નિકાલ કરી દેવામાં આવશે તેવી તાકીદ કરી હતી.
આગામી 1 એપ્રિલથી જીડબલ્યુઆઇએલ દ્વારા પાઇપલાઇન રિપેરીંગ અને કેનાલ રિપેરીંગની કામગીરી હાથ પર લેવાની હોવાના કારણે સૌરાષ્ટ્રને નર્મદાના નીર મળવાના નથી. સતત બે માસ સુધી નર્મદાનું પાણી મળવાનું ન હોવાના કારણે કાળઝાળ ઉનાળામાં પાણીની પોકાર સર્જાવાની ભીતી રાજકોટ સહિતના શહેરોમાં રહેલી છે. ત્યારે ગઇકાલે બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે એવી પણ ખાતરી આપી હતી કે ચિંતા ન કરતા રાજયના કોઇ શહેરમાં ઉનાળામા: પાણીની સમસ્યા ન સર્જાય તેવી ગંભીર વિચારણા રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. વૈકલ્પીક વ્યવસ્થા કરીને પણ પાણી આપવામાં આવશે.