કોરોનાની વૈશ્વીક મહામારીના સમય દરમિયાન રાજયમાં માતા-પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમની સાથેલોન અને સહાય આપી તેમને હૂંફ પૂરી પાડવા રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આ યોજનાના સઘન અમલીકરણ અર્થે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સબંધિત અમલીકરણ વિભાગોના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને રાજય સરકારની અનાથ બાળકો પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરતી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના કાર્યમાં સંવેદનશીલતા સાથે જોડાઈને રાજકોટ જિલ્લાના 0 થી 18 વર્ષ સુધીના લાભાર્થી એકપણ બાળક આ યોજનાના લાભથી વંચિત રહી ન જાય તેની કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.
આ માટે તેમણે રેલ્વે સ્ટેશન – બસ સ્ટેન્ડ સહિતના સ્થળોની આસપાસ રહેતા આવા અનાથ બનેલા બાળકો હોય તો તેનો પણ સંપર્ક કરવા તથા આ માનવતાના કાર્યને ઝૂંબેશના રૂપમાં ઉપાડવા તેમજ પ્રત્યેક ગામમાં પણ કોરોનાના સમયમાં માતા – પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોનો સર્વે કરી તેની યાદી સબંધિત વિભાગને પહોંચાડવા જણાવ્યું હતુ.
તેમણે કોરોનાના કપરા કાળમાં માતા – પિતાને ગુમાવનાર બાળકોના આપણે સૌએ કસ્ટોડીયન તરિકેની જવાબદારી અદા કરવાની છે, તેમ જણાવી અનાથ બનેલા બાળકો જે છાત્રાલયમાં રહેતા હોય તેવા છાત્રાલયોની નિયમિત મુલાકાત લેવા પણ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતુ. આ બેઠકમાં ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને કોરોનાના સમયમાં માતા – પિતા બન્ને ગુમાવનાર 0 થી 5 વર્ષના અનાથ બાળકોની 3 અરજી, 6 થી 10 વર્ષની વયના બાળકોની 11 અરજી અને 11 થી 18 વર્ષની વયના બાળકોની 33 અરજી મળી કુલ 47 અરજી મળી છે. જ્યારે કોરોનાના સમય પહેલા એક વાલી (માતા કે પિતા) અવસાન પામ્યા હોય અને બીજા વાલી (માતા કે પિતા)નું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા 0 થી 5 વર્ષના 27 બાળકો, 6 થી 10 વર્ષના 58 બાળકો અને 11 થી 18 વર્ષની વયના 108 બાળકો મળી કુલ 193 બાળકોની અરજી પ્રાપ્ત થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જે કોઈ જાગૃત નાગરિક કે વાલી – વારસોને તેમની આસપાસ આ યોજના અન્વયે પાત્રતા ધરાવતાં બાળકો જોવા મળે તો તેવા લોકોને પાત્રતા ધરાવતાં આવા બાળકોની અરજી જિલ્લા બાળ સુરક્ષા એકમ, બહુમાળી ભવન, રાજકોટને કરી શકે છે.