રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાનો મત આપવા માટે રાજકોટ આવી પહોંચ્યા હતા. વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી જ્યાં આજે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ત્યાંથી સીધા તેઓ રાજકોટ આવ્યા હતા. અહીં મુખ્યમંત્રી રૂપાણીએ પત્ની અંજલીબેન રૂપાણી સાથે મતદાન કર્યું હતું. મતદાન કરવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે વાતચિત દરમિયાન જંગી બહુમતીથી ભાજપને જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પત્રકારો સાથે વાતચિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે જનતાની શુભકામનાઓ અને પ્રાર્થનાઓ માટે તમામનો આભારી છું, આજે મારો RT-PCR ટેસ્ટ નેગેટિવ ટેસ્ટ આવ્યો, કોરોનાગ્રસ્તમાંથી હું કોરોનામુક્ત થયો છું. ગુજરાત છેલ્લા ઘણા સમયથી કોરોના સામે લડી રહ્યો છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, મેં પણ અહીં સારવાર લીધી છે અને એકદમ સ્વસ્થ થઇ ગયો છું. રાજ્યમાં અંદાજે 97.50 ટકા રિકવરી રેટ નોંધાઇ રહ્યો છે. ડૉક્ટરો, દવા અને સારી સારવાર મળી રહી છે.
વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું કે અમારો માત્ર એકજ મુદ્દો છે, વિકાસ, નરેન્દ્રભાઇની આગેવાનીમાં ભાજપનો વિકાસ એક જ મુદ્દો રહ્યો છે. મતદારો ઝડપથી પોતાનું મતદાન કરે અને પોતાની ફરજ નિભાવે. વધુમાં વધુ મતદાન થાય.