હવે અમદાવાદથી રાજકોટ માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે, સૌરાષ્ટ્ર-ગુજરાતની જનતા માટે આશીર્વાદ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ-અમદાવાદને વધુ એક ભવ્ય ભેટ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા થશે, જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.

ગુજરાતની રૂપાણી સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં જ આ ટ્રેન કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે. આ રૂટ પર ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે અને બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રનાં અને બીજા શહેરોની કનેક્ટિવિટી વધશે અને મુસાફરોનાં સમય સાથે ઈંધણ પણ બચશે.

અમદાવાદ અને રાજકોટ વચ્ચે પેસેન્જર્સની સંખ્યા વર્ષે 9 ટકાના દરે વધી રહી છે. 2007માં બંને શહેરો વચ્ચે દર વર્ષે 19 લાખ લોકો મુસાફરી કરતા જે 2017માં વધીને પ્રતિવર્ષ 45 લાખ થઈ ગયા. નવા સેમી હાઈસ્પીડ રૂટથી બંને શહેરો વચ્ચેનું અંતર 3 કલાકથી પણ ઓછું થઈ જશે. અમદાવાદ અને રાજકોટ વચ્ચે વર્ષે 50 લાખ જેટલા પેસેન્જર્સ ટ્રાવેલ કરે છે. આથી બંને શહેરો વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર થતાં લાખો-કરોડો લોકોને આ પ્રોજેક્ટનાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ગુજરાતનું સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાંથી એક છે અને તે જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા અને સોમનાથ સાથે જોડાયેલું હોવાના કારણે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર પણ કહેવાય છે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટને ઝડપથી શરૂ કરવા માટે તથા કેટલાક સર્વે કરવા માટે કહ્યું છે. સરકાર અમદાવાદ-મુબંઈ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા ઈચ્છે છે. અંદાજ મુજબ આ પ્રોજેક્ટ માટે 11300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચાનો સામવેશ થાય છે. આ પ્રોજેક્ટથી આગામી 30 વર્ષ સુધી 2300 ડાઈરેક્ટ અને 7300 ઈનડાયરેક્ટ નોકરીઓની તકો સર્જાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.