કરુણા અભિયાન – 2025
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ તેમજ ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન
- રાજ્યભરમાં કરુણા અભિયાન-2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત
- પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા
- પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી – ર૦ર૪ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીએ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી.
અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘સ્નેક રેસ્ક્યુ એપ’ લૉન્ચ કરવામાં આવી હતી. આ સાથે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા ત્યાર કરવામાં આવેલું ‘કરુણા અભિયાન’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ ‘કરુણા અભિયાન -૨૦૨૫ સિગ્નેચર’ કેમ્પનમાં પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી.સિંગએ કહ્યું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.
મુખ્યમંત્રીની આ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ધારાસભ્યઓ, કાઉન્સિલરઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારના સચિવ સંદિપ કુમાર, અમદાવાદ જિલ્લા કલેકટર સુ પ્રવિણા ડી.કે, વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક તેમજ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન જયપાલ સિંગ, અમદાવાદના નાયબ વન સંરક્ષક પ્રિયંકાબહેન ગેહલોત અને વન વિભાગના અન્ય અધિકારીઓ, કરુણા અભિયાન સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10 મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી- 2025 દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશા-દર્શનમાં યોજાઈ રહ્યું છે.
રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ અને ૧૯૨૬ હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે, જેને ક્લીક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા ૧૯૬૨ નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.
કરુણા અભિયાન-૨૦૨૫માં આશરે ૬૦૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૮,૦૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ ૧,૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના ૮૬૫ પશુ દવાખાના, ૩૪ વેટરનરી પોલિક્લિનિક, ૨૭ શાખા પશુ દવાખાના ઉપરાંત ૫૮૭ જેટલા ફરતા પશુદવાખાના અને ૩૭ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લાં આઠ વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૯૭,૨૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના ૩૧,૪૦૦થી વધુ પશુઓને તેમજ ૬૫,૭૦૦થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે.
ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગત વર્ષે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ૧૩,૮૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં ૪,૪૦૦થી વધુ પશુઓ અને ૯,૩૦૦થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે, છેલ્લા ૦૮ વર્ષમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે ૧૭,૬૦૦, સુરત જિલ્લામાં ૧૩,૩૦૦થી વધુ, વડોદરા જિલ્લામાં ૧૦,૭૦૦થી વધુ, રાજકોટ જિલ્લામાં ૮,૩૦૦થી વધુ, આણંદ જિલ્લામાં ૬,૮૦૦થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં ૬,૧૦૦થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે. આમ, ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.