મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહિલા શાસ્ત્રીય સંગીત પ્રતિભાઓનું તાના-રીરી મહોત્સવ-2024 અંતર્ગત તાના-રીરી એવોર્ડથી વડનગરમાં ગૌરવ સન્માન કર્યુ હતું.

ઉત્તર ગુજરાતના વડનગરની ધરતી પરથી બે નાગર કન્યાઓ તાના-રીરીએ સંગીતની આકરી આરાધનાથી રાગ રાગિણીની વિરાસત દુનિયાને આપી છે.

પોતાની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપનારી આ કળાધારિણી બેલડીની સ્મૃતિમાં વડનગરમાં તાના-રીરી મહોત્સવ ઉજવાય છે.

સંગીતની આવી ભવ્ય વિરાસત વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વડનગરની ધરતીના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી પ્રતિ વર્ષ આ મહોત્સવ ઉજવવામાં આવે છે.

ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ ૨૦૧૦ થી તેમણે સિદ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ પરંપરાને આગળ ધપાવતા તાના-રીરી એવોર્ડ-2024 અર્પણ કર્યા હતા.

આ ગૌરવ સન્માન એવોર્ડ અંતર્ગત મહારાષ્ટ્રના વિદુષી પદમા સુરેશ તલવાલકર અને અમદાવાદના ડૉ. પ્રદિપ્તા ગાંગુલી પ્રત્યેકને રૂ.2.50 લાખની પુરસ્કાર રાશિ, તામ્રપત્ર તથા એવોર્ડ મુખ્યમંત્રીએ એનાયત કર્યા હતા.

પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા, અગ્રણી સોમાભાઈ મોદી , મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, શહેરી વિકાસ અને રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિ અગ્ર સચિવ અશ્વિની કુમાર, પ્રવાસન અગ્ર સચિવ રાજેન્દ્ર કુમાર ,યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ કમિશનર આલોક પાંડે, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લા કલેકટર સહિત વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

તાના-રીરી

મહોત્સવ-૨૦૨૪ના આ બીજા દિવસે શશાંક સુબ્રમણ્યમનું બાંસુરીવાદન તથા પાર્થિવ ગોહિલ અને કલા વૃંદની લોકકલા પ્રસ્તુતિ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સંગીતપ્રેમીઓએ માણી હતી.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.