ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમર, આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જૂનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા અને દરિયાપટ્ટીના કલેકટર મિટીંગમાં જોડાયા
સમુદ્ર કિનારે ગેર કાયદે દબાણ, ડ્રગ્સ ઘુસાડવા અને ઘાતક હથિયાર તેમજ બાયોમેટ્રીક વેરીફિકેશનને અસરકારક બનાવી દેશદ્વોહીનો ખાત્મો બોલાવાશે
રાજયના 1600 કિલોમીટરના વિશાળ દરિયા કિનારે સુરક્ષાને સઘન બનાવવા માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ઉચ્ચ કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં ગેર કાયદે દબાણ, ડ્રગ્સ ઘુસાડવા, ઘાતક હથિયાર ઘુસાડવાની દેશ વિરોધી પ્રવૃતિ કરતા દેશદ્રોહીઓ સામે કંઇ રીતે અસરકારક કામગીરી કરી શકાય તે અંગેના ઉચ્ચ અધિકારીઓ પાસેથી રિવ્યું મેળવ્યા હતા. બેઠકમાં ગૃહ મંત્રી, ગૃહ સચિવ,દરિયાઇ પટ્ટીના જિલ્લા કલેકટર અને રેન્જ આઇજી અને એસપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
ગાંધીનગર સચિવાલય સવર્ણમ સંકુલ-1 ખાતે આવેલા નર્મદા હોલ ખાતે સવારે સાડા દસ વાગે મળેલી સાગર સુરક્ષા બેઠક મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ગૃહ સચિવ, કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમર, દરિયાઇ સુરક્ષાના વડા નિલેશ ઝાંઝડીયા, આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત, ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને દરિયાઇ પટટ્ટીના કલેકટર, રેન્જ વડા અને એસપી ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં કોસ્ટ ગાર્ડ, બીએસએફ, એટીએસ, કસ્ટમ, ડીઆરઆઇ, દિવ દમણના અધિકારીઓ અને મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ જોડાયા હતા. દરિયાઇ સુરક્ષા અંગે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તમામ અધિકારીઓને ગેર કાયદે દબાણ, દરિયાઇ માર્ગે થતી ડ્રગ્સની ઘુસણખોરી, ઘાતક હથિયારને આવતા અટકાવવા તેમજ દેશ વિરોધીઓ સાથે જોડાયેલા સ્થાનિક શખ્સોની ઓળખ મેળવવા સહિતની કામગીરીને અસરકારક બનાવવા ચર્ચા થઇ હતી.
રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, દિવ, સુરત, વલસાડ અને ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા સાગર સુરક્ષા અંગે એકસન પ્લાન રજુ કરવામાં આવ્યા હતા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ અંગે મહત્વની ચર્ચા વિચારણા કરી ટૂંક સમયમાં જ દરિયાઇ સુરક્ષા અંગેની કામગીરી શુરુ કરી દેશ વિરોધી તત્વોને ભરી પીવા માટે આદેશ કર્યા હોવાનું જાણવા મળે છે.