આઈ.સી.યુ. સુવિધા સાથેની 100 બેડનું ફાયર અને વોટરપ્રુફ હેલ્થકેર યુનિટ કોરોના ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે અતિ ઉપયોગી
અબતક,રાજકોટ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજરોજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે યુધ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલ 100 બેડના પોર્ટેબલ હેલ્થ કેર યુનિટને રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાસે ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં વિશેષરૂપે કાર્યરત કરવામાં આવેલી ઇન્ડો અમેરિકન પોર્ટેબલ હેલ્થ કેર યુનિટ (હોસ્પિટલ) ની જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ મુખ્યમંત્રીશ્રી ને માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ ફાયર અને વોટરપ્રુફ પોર્ટબેલ હોસ્પિટલમાં ચાર ડોમમાં 16 આઇ.સી.યુ. બેડ, 30 ઓક્સિજનની સુવિધાવાળા બેડ અને 54 જનરલ બેડ નો સમાવેશ થાય છે.
આ ડોમ યુનિટમાં જેને એમ જી.પી.એસ. સિસ્ટમ અને તમામ એરક્ધડીશન વોર્ડઝ, પી.વી.સી.નું સ્ટ્રક્ચર, રીસેપ્શન અને લોન્જ એરીયા ઉપરાંત 120 કિલોમીટરના પવન સામે ટકી શકે તેવી ફુલપૃફ સીસ્ટમથી સજ્જ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સાધન સહાય અને વ્યવસ્થાપનની માહિતી મેળવી હતી અને પ્રસાશન દ્વારા ઉભી કરાયેલી હોસ્પિટલ રૂપી વ્યવસ્થાની સરાહના કરી હતી.
આ પ્રંસગે મંત્રી સર્વે જીતુભાઈ વાઘાણી, બ્રિજેશભાઈ મેરજા, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, મેડિકલ સ્ટાફ સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતાં.