નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયત તેમજ ડોલવણ, થરાદ અને ભિલોડાની તાલુકા પંચાયતો જનસેવા માટે ખુલ્લી મુકાઈ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂપિયા ૧૮ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત જિલ્લા પંચાયત કચેરી, અમરેલી તેમજ ડોલવણ, થરાદ અને ભિલોડાની તાલુકા પંચાયત કચેરીના નવિન ભવનનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું છે.
ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી અમરેલી જિલ્લા પંચાયતના નવનિર્મિત ભવન તેમજ ડોલવણ, થરાદ અને ભિલોડા તાલુકા પંચાયતના નવીન ભવનના ઈ-લોકાર્પણ પ્રસંગે નવીન સુવિધા માટે તમામને શુભેચ્છાઓ આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ અમરેલી જિલ્લા પંચાયતનું રૂપિયા ૧૮ કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત ભવનનું તેમજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતનું રૂપિયા ૨.૩૯ કરોડના ખર્ચે, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા પંચાયતનું રૂપિયા ૨.૪૦ કરોડના ખર્ચે જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા પંચાયતનું રૂપિયા ૨.૪૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન આધુનિક સુવિધાયુક્ત ભવનનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે પંચાયત, પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને નવનિર્મિત ભવન માટે ઉપસ્થિત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે સ્વાગત પ્રવચન કરીને વિકાસ કામોની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે વિકાસ કમિશનર એમ. જે. ઠક્કરે આભારવિધિ કરી હતી.
આ નવનિર્મિત ભવના ઈ-લોકાર્પણ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.