મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે જ બ્રિજ ખુલ્લો મૂકી દેવાની તડામાર તૈયારીઓ
શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ રાજમાર્ગો પર અન્ડર અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે નિર્માણાધીન અંડરબ્રીજની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે. આગામી ૨૧ મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આમ્રપાલી બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. આ ઉપરાંત રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે ચાર બ્રીજનું ભૂમિપૂજન કરવામાં આવશે.
શહેરના રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક દિવસ દરમિયાન અનેકવાર બંધ થતું હોવાના કારણે વાહનચાલકો હોય ખૂબ જ હાડમારી વેઠવી પડતી હતી. અહીં મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રિજનું નિર્માણ કામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.છેલ્લા સવા વર્ષથી ચાલતું બ્રિજનું નિર્માણ કામ હાલ પૂર્ણતાના આરે છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૨૧મી જાન્યુઆરીના રોજ આમ્રપાલી બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. આ ઉપરાંત શહેરના કેકેવી ચોકમાં આકાર લેનાર મલ્ટીલેવલ ઓવરબ્રિજ,૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી અને નાના મવા સર્કલ ખાતે બનનારના ઓવર બ્રિજ તથા કાલાવાડ રોડ પર જડડૂસ રેસ્ટોરન્ટવાળા ચોકમાં બનાવવામાં આવનાર ઓવરબ્રીજનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપુજન કરવામાં આવશે.રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિત રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખોનું એલાન ૨૬મી જાન્યુઆરી સુધીમાં કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે પૂર્વે જ આમ્રપાલી બ્રીજનું લોકાર્પણ અને અન્ય ચાર બ્રિજ નું ભૂમિપૂજન કરી દેવા માટે મહાપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ ઉપરાંત અન્ય અલગ-અલગ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે આચારસંહિતા અમલમાં આવ્યા બાદ એક પણ વિકાસ કામ અટકે નહીં તે દિશામાં હાલ કામગીરી ચાલી રહી છે આમ્રપાલી બ્રિજનું ૨૧મીએ લોકાર્પણ કરી દેવાની તારિખ ફાઇનલ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.