ભારતનગરમાં ૩૧૪ આવાસો, પેરેડાઈઝ હોલ સામે લાયબ્રેરી, કોમ્યુનીટીહોલ, રૂડાની ૧૨૦ કરોડની આવાસ યોજના, કોઠારીયા રોડ અને રૈયાધારમાં વોટર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈએસઆર-જીએસઆરનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત સહિતનાં અનેક કાર્યક્રમો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ૨૦મી જુલાઈનાં રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તેઓનાં હસ્તે કોર્પોરેશન અને રૂડાનાં ૨૨૨.૧૯ કરોડનાં વિવિધ પ્રોજેકટનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનાં હસ્તે આગામી ૨૦મી જુલાઈનાં રોજ વોર્ડ નં.૧૧માં મવડી વિસ્તારમાં ભારતનગર સ્લમ રી-ડેવલોપમેન્ટ પીપીપી યોજના હેઠળ બનનારા ૩૧૪ આવાસ અને ૨૦ દુકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જયારે રૂડા દ્વારા રૂ.૧૨૦ કરોડનાં ખર્ચે ઈડબલ્યુએસ-૧ અને ૨નાં લાભાર્થીઓ માટે બનાવવામાં આવનાર ૧૧૧૮ આવાસોનું ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત કોઠારીયા રોડ ખાતે રૂ.૨૦.૭૫ કરોડનાં ખર્ચે બનનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૈયાધાર ખાતે રૂ.૨૯.૭૩ કરોડનાં ખર્ચે બનનાર ૫૦ એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ઈએસઆર-જીએસઆરનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મહાપાલિકા દ્વારા શહેરનાં વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલની સામે રૂ૫.૨૭ કરોડનાં ખર્ચે અદ્યતન લાયબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. જયારે રૂ.૭૫ લાખનાં ખર્ચે શાળા નં.૮૮નાં તૈયાર થયેલ શાળા નં.૮૮નું બિલ્ડીંગનું લોકાર્પણ, રૂ.૧.૩૯ કરોડનાં ખર્ચે નવનિર્મિત કસ્તુરબામાંથી બાલિકા વિદ્યાલય અને રૂ.૪૨ લાખનાં ખર્ચે શાળા નં.૧૯નાં બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રૂડા અને કોર્પોરેશનનાં અલગ-અલગ ૨૨૨ કરોડનાં પ્રોજેકટનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરાશે. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મ્યુનિસિપલ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, શહેર ભાજપ મહિલા મોરચાનાં પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ અને જીતુભાઈ કોઠારી સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.