- પ્રથમ રામપરા વીડી ગામેથી વિચરતી વિમુક્ત જાતિના 65 મકાનોના લોકાર્પણ, 300 પ્લોટની સનદ વિતરણ અને હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાશે, આટકોટ અને મવડી હેડક્વાર્ટરના પોલીસ આવાસનું લોકાર્પણ કરશે
- કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે : સર્કિટ હાઉસમાં ભોજન લેશે : ઇમ્પીરિયલ પેલેસ ખાતે ખાનગી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે 6:30 કલાકે રવાના થશે
- 200 શાળાઓમાં સેનેટરી પેડના વેન્ડિંગ મશીન, 650 આંગણવાડીઓમાં આરઓ સિસ્ટમ અને 60 વેસ્ટ કલેક્શન ઇ રીક્ષાનું લોકાર્પણ કરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે છે.તેઓના ભરચક્ક કાર્યક્રમો છે. જેમાં પ્રથમ રામપરા વિડી ગામેથી વિચરતી વિમુક્ત જાતિના 65 મકાનોના લોકાર્પણ, 300 પ્લોટની સનદ વિતરણ અને હોસ્ટેલનું ખાતમુહૂર્ત તેમજ આટકોટ અને મવડી હેડક્વાર્ટરના પોલીસ આવાસનું લોકાર્પણ કરશે. 200 શાળાઓમાં સેનેટરી પેડના વેન્ડિંગ મશીન, 650 આંગણવાડીઓમાં આરઓ સિસ્ટમ અને 60 વેસ્ટ કલેક્શન ઇ રીક્ષાનું લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે 8:30 કલાકે ગાંધીનગર નિવાસ સ્થાનેથી નીકળી 8:50એ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફત તેઓ સવારે 9 :20 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે. જ્યાં તેઓનું પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બાદમાં તેઓ 10 વાગ્યે રાજકોટ તાલુકાના રામપરા વિડી ગામે જશે.
જ્યાંથી તેઓ વિચરતી વિમુક્ત જાતિ માટે બનાવવામાં આવેલા 65 મકાન અને 40 મીટરના 300 પ્લોટના હુકમો અને સનદનું વિતરણ કરશે. આ જ સ્થળેથી તેઓ આટકોટમાં બી 32 ટાઈપ 16 પોલીસ આવાસ અને મવડી હેડક્વાર્ટરમાં બી 80 ટાઈપના 40 આવાસનું પણ લોકાર્પણ કરશે.
આ સાથે તેઓ કાર્યક્રમ સ્થળેથી જ જિલ્લા પંચાયત દ્વારા રૂ. 50 લાખના ખર્ચે 200 શાળાઓમાં સેનેટરી પેડ અને વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. તેને ખુલ્લા મુકશે. જિલ્લા પંચાયતની 650 આંગણવાડીમાં 15માં નાણાં પાંચ અંતર્ગત રૂ.89.40 લાખના ખર્ચે આરઓ સિસ્ટમ મુકવામાં આવી છે. તેનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત રૂ. 1.20 કરોડના ખર્ચે 60 વેસ્ટ કલેક્શન ઇ રીક્ષાનું લોકાર્પણ કરશે.
બાદમાં તેઓ 11:40 કલાકે કોર્પોરેશન ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી વિકાસકામોની સમીક્ષા કરશે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ જવા રવાના થશે. સર્કિટ હાઉસ ખાતે તેઓ ભોજન લઈને 3:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. જેમાં સાંસદો, ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહેશે.
બાદમાં તેઓ 5 વાગ્યે ઇમ્પીરિયલ પેલેસ ખાતે એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં તેઓ 6 વાગ્યે રાજકોટ એરપોર્ટથી રવાના થઈને 6:30કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાંથી તેઓ બાય રોડ ગાંધીનગર નિવાસ સ્થાને જશે.