એઇમ્સની મુલાકાત લઈ તેની સમીક્ષા કરશે: કોર્પોરેશનની 25 ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ, સિવિલ હોસ્પિટલમાં કેથલેબનું લોકાર્પણ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના કાર્યાલયનો શુભારંભ અને આર્ટ ગેલેરીનું ખાતમુહૂર્ત થશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી સોમવારના રોજ રાજકોટની મુલાકાતે આવવાના છે. અને તેઓ ઢગલાબંધ કાર્યક્રમમાં હાજરી આપવાની સાથે અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. મુખ્યમંત્રીની આ વિઝીટને લઈને હાલ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.4 ને સોમવારના રોજ રાજકોટની મુલાકાતે આવશે. જો કે આ અંગે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હજુ સુધી જાહેર થયો નથી. પરંતુ સંભવત કાર્યક્રમ તૈયાર કરી તંત્ર દ્વારા હાલ મુખ્યમંત્રીની મુલાકાત લઈને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની ભાગોળે નિર્માણ પામી રહેલા એઇમ્સની મુલાકાત લેવાના છે. અહીં તેઓ એઇમ્સના તેમજ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવાના છે. ઉપરાંત હાલ જે કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ પણ કરવાના છે.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25 જેટલી ઇલેક્ટ્રીક બસો શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત એક રાજકોટ દર્શન બસ પણ શરૂ કરવામાં આવનાર છે. જે રાજકોટના તમામ જોવાલાયક સ્થળો બતાવશે. આ ઇલેક્ટ્રીક બસો અને રાજકોટ દર્શન બસને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપવાના છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયને પણ ખુલ્લું મૂકવાના છે. આ ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધારવા કેથલેબ તૈયાર કરવામાં આવી છે. જેનું પણ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાર્ટએટેકથી મોતના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આધુનિક યુગમાં માનસિક તણાવ અને લાઈફ સ્ટાઇલમાં ફેરફારો થતા મોટી ઉંમરનાં નહીં પરંતુ યુવાનોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે. સિવિલમાં હાર્ટએટેકનાં વધતા દર્દીઓને ધ્યાને રાખીને ટૂંક સમયમાં કેથલેબ શરૂ કરવામાં આવનાર છે.
સિવિલ હોસ્પિટલમાં ઇસીજી, કાર્ડિયોલોજી-2, ઇસીઓ કાર્ડિયોગ્રાફી, કાર્ડિયોલિસ્ટ સહિતની સુવિધાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં કેથલેબ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ કેથલેબ ગુજરાતમાં સરકારી દવાખાનામાં પ્રથમ કેથલેબ હશે. જેમાં હાર્ટ એટેકનાં દર્દીઓને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. કેથલેબ શરૂ થતાની સાથે જ હાર્ટ એટેકનાં તમામ દર્દીઓને વધુ આધુનિક અને ઝડપી સારવાર મળતા હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યામાં ઘટાડો લાવી શકાશે.
આ ઉપરાંત રેસકોર્સ ખાતે જે આર્ટ ગેલેરી છે તેને નવા રંગરૂપ આપવા માટે તેના કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આમ મુખ્યમંત્રી રાજકોટમાં અંદાજે ચારેક કલાકનું રોકાણ કરે તેવું જાણવા મળી રહ્યું છે.
લોકમેળાના ઉદ્દઘાટનના એક દિવસ પહેલા મુખ્યમંત્રીનો કાર્યક્રમ ગોઠવાયો
લોકમેળાને એક દિવસ વહેલો ખુલ્લો મૂકી દેવો કે મંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાવવું? તંત્ર અવઢવમાં
રંગીલા રાજકોટના લોકમેળાનો તા. 5 ના રોજથી શુભારંભ થવાનો છે. આ લોકમેળો મોટાભાગે મુખ્યમંત્રીના હસ્તે સાંજના સમયથી ખુલ્લો મુકવામાં આવતો હોય છે. પણ આ વર્ષે મુખ્યમંત્રી ઉદ્ઘાટનના આગલે દિવસે રાજકોટમાં આવી રહ્યા હોય, હવે શું કરવું તેને લઈને તંત્ર અવઢવમાં મુકાઈ ગયું છે. હાલની શક્યતા જોતા કાં તો તંત્ર તા. 4એ મેળાને ખુલ્લો મૂકી દેશે. અથવા તો મેળાને તેના નિયત કરેલા સમયે એટલે કે તા. 5ના જ ખુલ્લો મુકશે. પરંતુ કોઈ મંત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાવશે. મેળાનું આગલા દિવસે ઉદ્ઘાટન કરવામાં પણ એક સમસ્યા નડતરરૂપ બની છે. મુખ્યમંત્રી સવારના સમયે રાજકોટ આવી રહ્યા હોય આગલે દિવસે સાંજે મેળાને ખુલ્લો મુકવો હજુ અશક્ય બની શકે તેમ છે. પરંતુ સવારના સમયે મેળાને કેમ ખુલ્લો મુકવો તે મામલે તંત્રએ વિચારણા હાથ ધરી છે. આજ સાંજ સુધીમાં તંત્ર દ્વારા આ અંગે નિર્ણય લેવાઈ જશે. તેવું જાણવા મળી રહ્યું છે.