મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌજ્ન્ય મૂલાકાત લેતા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ગાંધીનગરમાં શુક્રવારે લીધી હતી. તેઓ હિમાચલ પ્રદેશના ઉદ્યોગ મંત્રી બિક્રમસિંઘ સાથે ગુજરાત આવ્યા છે.
મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત સકારના પારદર્શી- પ્રગતિશીલ પ્રશાસન અને પબ્લિક ડિલિવરી સિસ્ટમના અભિનવ પ્રયોગો વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો.
વિજયભાઈ રૂપાણીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને સી.એમ. ડેશબોર્ડની સમગ્ર કામગીરી અને મોનિટરિંગ સિસ્ટમથી અવગત કરાવ્યા હતાં.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાનના મોનિટરિંગ સાથોસાથ આ ડેશબોર્ડના માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટરો- ડી.ડી.ઓ. એસ.પી. સાથે વિડીયો કોન્ફરન્સથી સીધો સંવાદ બેઠક કરી શકાય છે તેની વિગતો મેળવીને પ્રભાવિત થયા હતાં.
મુખ્યમંત્રીએ આ ડેશબોર્ડ દ્વારા પબ્લિક સર્વિસિઝ એસ.ટી. બસ સેવા, ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા વગેરેનું રિયલ ટાઇમ મોનિટરિંગ તેમજ શહેરી વિસ્તારોની સ્ટ્રીટલાઇટ તપાસણી વગેરે શક્ય બનતા જનસેવાનું સ્તર મોડેલરૂપ બન્યું છે તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શિક્ષણ વિભાગના ઓનલાઇન એટેન્ડન્સ, ઇ-ગુજકોપ તેમજ આરટીઓ ચેકપોસ્ટ ઓનલાઇન મોનિટરિંગની સિસ્ટમ પણ સમજાવી હતી.
જયરામ ઠાકુરે ડિજિટલ ગુજરાત પોર્ટલ તેમજ સી.એમ. ડેશબોર્ડમાં સરકારના વિભાગોની કામગીરી મૂલ્યાંકનના ઇન્ડિકેટર્સ અને ભારત સરકારની યોજનાઓના ગુજરાતમાં અમલીકરણના ડેટાબેઝ પણ જે સી.એમ. ડેશબોર્ડમાં ઓનહેન્ડ ઉપલબ્ધ છે તેની પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાત દેશમાં સુશાસનનું મોડેલ સ્ટેટ બન્યું છે તેના પાયામાં રહેલી આ બધી જ ગતિવિધિઓ નિહાળી તેની સરાહના કરી હતી.