મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યકક્ષાના ૭૧મા વન મહોત્સવનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાવ્યો પ્રારંભ: ૬૦ જેટલી જાતના ૫૫ હજાર વૃક્ષોનો કરાશે ઉછેર: રામ મંદિર શિલાન્યાસ પ્રસંગની યાદગીરી રૂપે ૨૦મા સાંસ્કૃતિક વન એવા અર્બન ફોરેસ્ટને ‘રામવન’ નામ અપાયું

આગામી તા. ૫મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અયોધ્યા સ્થિત રામજન્મભૂમી ખાતે રામમંદિરના શિલાન્યાસ થનાર છે. આ પ્રસંગને યાદગાર અને અવિસ્મરણીય બનાવવા રાજકોટ ખાતેના ૨૦માં સાંસ્કૃતિક વન એવા અર્બન ફોરેસ્ટને રાજયના પ્રકૃતિપ્રેમી અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના ૬૪માં જન્મદિવસે રામવન નામ જાહેર કરી ૭૧માં રાજયકક્ષાના વન મહોત્સવનો ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. જીવ ત્યાં શીવ અને છોડમાં રણછોડની આપણા ઋષિઓ અને સંતો દ્વારા કેળવાયેલી આપણી ભવ્ય સાંસ્કૃતિક પરંપરા છે તેમ જણાવતાં મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં કહયું હતું કે,વન અને વન્ય સૃષ્ટ્રીનું જતન અને સંવર્ધનએ અપાયેલી ધરોહર છે. આથી જ ગુજરાતને પ્રગતિશિલ, વિકાસશીલ સાથે હરીયાળું ગુજરાત બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૪ વન મહોત્સવની ઉજવણી રાજયના પાટનગર ગાંધીનગરથી બહાર અન્ય જિલ્લાઓમાં ઉજવવાની શરૂઆત કરી હતી.

રાજકોટ ખાતે આજે ૭૧માં રાજય કક્ષાના વનમહોત્સવ અને મુખ્યમંત્રી રૂપાણીએ ૬૪માં જન્મદીને રાજકોટ વાસીઓને ૨૦માં સાંસ્કૃતિક વનની ભેટ આપતા જણાવ્યુંહતું કે કોરોનાના દર્દીને જ્યારે ઓક્સિજન ઘટી જાય ત્યારે શુદ્ધ ઓક્સિજનની આવશ્યકતા રહે છે. શૂધ્ધ પ્રાણવાયુના નિર્માણમાં વ્રુક્ષો મહત્વનો ભાગ ભજવે છે. રાજકોટ શહેરની પ્રજાને ઘરઆંગણે જ જીવ અને શિવને જોડતી પ્રકૃતિ તથા જંગલ સફારી જેવી અનુભૂતિ મળી રહે તે માટે આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

IMG 20200803 WA0014

મુખ્યમંત્રી વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ત્યારે પ્રકૃતિના સમતોલન માટે મોટા પાયે વૃક્ષારોપણ ખુબ જ જરૂરી છે. આથી જ ગત ૨જી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ સરકારશ્રી દ્વારા ફાળવણી કરાયેલ અર્બન ફોરેસ્ટની ગ્રીન બેલ્ટ હેતુની કુલ ૧૫૬.૧૬ એ.ગુ. જમીન પૈકી ૪૭ એકર ખુલ્લી જમીનમાં તૈયાર થઇ રહેલા સાંસ્કૃતિકના રામવનના નિર્માણમાં જુદી જુદી ૫૫ થી ૬૦ વિવિધ જાતના અંદાજે ૫પ હજારથી વધુ જેટલી સંખ્યામાં ઓછા નીભાવ ખર્ચ વાળા વૃક્ષોને ઉછેરીને જતન કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂ.૭.૬૯ કરોડના ખર્ચે તૈયાર થનાર રામવન (અર્બન ફોરેસ્ટ) ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ,એડમીન ઓફીસ,સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ,  બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ,   જુદાજુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે,   ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ,   આકર્ષક એન્ટ્રી ગેઈટ સહિત માળખાગત પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

આ તકે રાજકોટ ખાતે ગો-ગ્રીન રથ, ધન્વંતરી રથ અને સંજીવનીરથનું ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી અને સ્થાનિક મહાનુભાવો દ્વારા ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું. ગ્રીન રથના માધ્યમથી તમામ લોકોને વિવિધ રોપાનું ડોર-ટુ-ડોર વિતરણ કરવામાં આવશે. આ વર્ષે રાજયભરમાં કુલ ૧૦ કરોડ રોપાઓનું ડોર ટુ ડોર વિતરણ કરી તેને ઉછેરવામાં આવશે.

IMG 20200803 WA0010 1

આ પ્રસંગે રાજકોટ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ અભયભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા,ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કલેકટર રેમ્યા મોહન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, નાયબ વન સંરક્ષક પી.ટી. શિયાણી, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર તેમજ કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મહત્તમ વૃક્ષારોપણ કરવા આયોજન: ડો. કે.ડી. હાપલીયા

vlcsnap 2020 08 03 08h38m47s325

અબતક સાથેની વાતચીત દરમિયાન મનપાના પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના ડાયરેકટર ડો.કે.ડી.હાપલીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મહતમ વૃક્ષારોપણ થાય અને શહેરનું પર્યાવરણ સારું બને તેવા અભિગમના ભાગરૂપે રાજય સરકાર અને રાજકોટ મનપાના ઉપક્રમે ૭૧માં વન મહોત્સવનો શુભારંભ થયો છે. અમોને ૧૫૩ એકર જમીન જે પથરાળ છે તેને અમે ડેવલોપ કરવા જઈ રહ્યા છે. રાજકોટની જનતાને ટુંક સમયમાં એક નવું નજરાણું હરવા-ફરવાનું સ્થળ અને પ્રાકૃતિક માધ્યમ આપી શકીશું. આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમે ૫૦૦ જેટલા છોડ વાવ્યા છે. જેમાં લીમડો, બોરસલી, પીપળો, વડ, કાઈટીલીયા, ખેર, બોડીમીયા જેવા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.

રાજય સરકાર તરફથી રાજકોટને મોટી ભેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ

vlcsnap 2020 08 03 08h37m50s644

સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો હું સંવેદનશીલ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ-કોન્ફરન્સ મારફતે ૭૧માં વન મહોત્સવનું ઉદઘાટન કરેલ છે. ગુજરાત સરકાર તરફથી રાજકોટને મોટી ભેટ મળેલ છે. ૧૫૩ એકરમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ થનાર છે જે રાજકોટ માટે ગર્વની સારી બાબત છે. રાજકોટ ગ્રીન સીટી કલીન સીટી તરફ આગળ વધી રહ્યું છે. આજે તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકાને એક ફોન કરો, વૃક્ષ ઘરે આવીને વાવી જઈશું: કમિશનર ઉદિત અગ્રવાલ

vlcsnap 2020 08 03 08h38m26s389

ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું કે, ૨જી ઓગસ્ટએ ૭૧માં રાજયકક્ષાના વન મહોત્સવનું રાજકોટમાં અર્બન ફોરેસ્ટ જે ડેવલોપ થઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી વન મહોત્સવનું ઉદઘાટન કરેલ છે. રાજકોટ મનપા માટે વિશેષ દિવસ કહી શકાય. અમે ગો-ગ્રીન અભિયાન શરૂ કર્યું. એક વાહનમાં છોડ રહેશે જયારે કોઈપણ વ્યકિત મનપાના કોલ સેકટર પર ફોન કરશે અને વૃક્ષ વાવવું હોય તેવું જણાવે તો મનપા ત્યાં જઈ વૃક્ષ રોપી જશે. કોરોનાથી બચવા માટે વધુ બે ધનવંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત સંજીવની રથ પણ શરૂ કરેલ જેમાં જેટલા લોકો હોમઆઈસોલેટેડ છે તેમના ઘરે જઈ તપાસ કરશે અને અર્બન ફોરેસ્ટમાં આજે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા થોડા વર્ષોમાં ગ્રીન કવર વઘ્યું છે અને તેના જ ભાગરૂપે અર્બન ફોરેસ્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને આગળ પણ વધુ પ્લાન્ટેશન થાય તે રીતનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.