નવનિયુક્ત મંત્રીઓને અલગ-અલગ જિલ્લાના પ્રભારી બનાવાયા
નવ કેબિનેટ મંત્રીઓને બબ્બે જિલ્લા જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા અને રાજ્યકક્ષાના મંત્રીઓને એક-એક જિલ્લાનો હવાલો: રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પૂર્ણેશ મોદીની નિમણુંક
ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રી મંડળમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. રાજ્યના 17માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના મંત્રી મંડળના સભ્યોને અલગ અલગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવ્યા છે. જેમાં કેબિનેટ મંત્રીઓને બબ્બે જિલ્લાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે સ્વતંત્ર હવાલો સંભાળતા અને રાજ્યકક્ષાના મંત્રીઓને એક-એક જિલ્લાનો હવાલો આપવામાં આવ્યો છે. આજથી બે દિવસ વિધાનસભાનું ચોમાસુ સત્ર હોય જે પૂર્ણ થયા બાદ પ્રભારી મંત્રીઓ પોતાના જિલ્લાઓના પ્રવાસે જશે અને કામગીરીની સમીક્ષા કરશે. રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીની નિમણૂંક કરવામાં આવી છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ચાલતી વહિવટ પ્રક્રિયાથી સરકાર સંપૂર્ણપણે માહિતીગાર થઈ શકે તે માટે ભાજપ સરકાર દ્વારા દરેક મંત્રીઓને અલગ અલગ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવે છે. તાજેતરમાં રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના તમામ સભ્યો નવા છે. ગઈકાલે કેબીનેટ મંત્રી સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીઓ અને અને રાજ્યકક્ષાના મંત્રીઓને અલગ-અલગ જિલ્લાના પ્રભારી બનાવાયા છે. કેબીનેટ મંત્રીઓને બબ્બે જિલ્લાઓ જ્યારે રાજ્યકક્ષાના
મંત્રીઓને એક-એક જિલ્લાનો હવાલો સોંપવામાં આવ્યો છે. કેબીનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને અમદાવાદ જિલ્લો અને ખેડા જિલ્લાના, જીતુભાઈ વાઘાણીને સુરત જિલ્લો અને નવસારી જિલ્લો, ઋષિકેશભાઈ પટેલને જૂનાગઢ જિલ્લો અને ગીર-સોમનાથ જિલ્લો, પૂર્વેશભાઈ મોદીને રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લો, રાઘવજીભાઈ પટેલને ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લો, કનુભાઈ દેસાઈને જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, કિરીટસિંહ રાણાને બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો, નરેશભાઈ પટેલને વડોદરા જિલ્લો અને છોટા ઉદેપુર જિલ્લાના જ્યારે પ્રદિપસિંહ પરમારને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યારે સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી અર્જૂનસિંહ ચૌહાણને મહેસાણા જિલ્લો, હર્ષ સંઘવીને ગાંધીનગર જિલ્લો, જગદીશભાઈ પંચાલને નર્મદા જિલ્લો, બ્રિજેશભાઈ મેરજાને અમરેલી જિલ્લો, જીતુભાઈ ચૌધરીને દાહોદ જિલ્લો, રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલને મહિસાગર જિલ્લો, અરવિંદભાઈ રૈયાણીને કચ્છ જિલ્લો, મુકેશભાઈ પટેલને ભરૂચ જિલ્લો, કુબેર ડિંડોરને તાપી જિલ્લો, કિર્તીસિંહ વાઘેલાને વલસાડ જિલ્લો, ગજેન્દ્રસિંહ પરમારને આણંદ જિલ્લો, રાઘવજીભાઈ મકવાણાને પોરબંદર જિલ્લો, વિનોદ મોરડિયાને પંચમહાલ જિલ્લો અને દેવાભાઈ માલમને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે. આજથી વિધાનસભામાં બે દિવસીય ટૂંકા ચોમાસુ સત્રનો આરંભ થયો છે. જે પૂર્ણ થયા બાદ પ્રભારી મંત્રીઓ પોતાને ફાળવેલા જિલ્લાઓના પ્રવાસે જશે.