કોરોના વાયરસની બીજી લહેર હજુ માંડ મંદ પડી છે. ત્યાં રાજ્યમાં તાઉતે વાવાઝોડાના તાંડવે તહસ નહસ કરી નાખ્યું છે. એમાં પણ ખાસ સૌરાસ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે આશરે 10 હજાર કરોડ રૂપિયાના નુકસાનની ભીતિ છે. ત્યારે ગઈકાલે સૌથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ આજરોજ વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હેલિકોપ્ટરમાં બેસી હવાઈ તાગ મેળવ્યો છે.
આ ઉપરાંત આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની પણ મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલા સવારે ગાંધીનગરથી હવાઈમાર્ગે આ અસરગ્રસ્ત વિસ્તારો અને ગામોની મુલાકાતે જવા રવાના થયા અને ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચતા સુધી વચ્ચે આવતા તમામ વિસ્તારોનું તેમણે હવાઈ નિરીક્ષણ કરીને થયેલ નુકસાનીનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણી આજે દિવસ દરમિયાન ઉના તાલુકાના ગરાળ, રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત લઈને તાઉતે વાવાઝોડાથી થયેલ નુકસાનીનો અંદાજ મેળવ્યો છે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિનો ચિતાર પણ મેળવ્યો છે.