મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગૌરવ સહ જણાવ્યું છે કે રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકોને પણ સમય સાથે કદમ મિલાવતું આધુનિક શિક્ષણ પુરૂં પાડવા સરકારી શાળાઓને પણ ખાનગી-SFI સમકક્ષ શિક્ષણ સુવિધાઓથી સજ્જ કરી છે.
તેમણે કહ્યું કે, સરકારી શાળાઓમાં અદ્યતન અને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપીને શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન-બદલાવ આ સરકાર લાવી છે. મુખ્યમંત્રીશ્રી રાજ્યવ્યાપી ગુણોત્સવની ૮મી કડીના બીજા દિવસે વલસાડ જિલ્લાના ચીખલા પ્રાથમિક શાળામાં પહોચ્યા હતા.
આ શાળાના વર્ગખંડમાં જઇને તેમણે બાળકો સાથે સહજ ભાવે પ્રશ્નોત્તરી કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ બાળકોના ગણિત, લેખન, વાંચન જ્ઞાન કૌશલ્ય સાથે OMR પદ્ધતિથી પણ અભ્યાસ-જ્ઞાન ચકાસ્યા હતા. શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, દેશની ભાવિ પેઢીનો પાયો પ્રાથમિક શિક્ષણથી જ મજબૂત બૂલંદ કરવાનો આ ૮મો સેવાયજ્ઞ ઉત્તરોત્તર પરિણામકારી બન્યો છે.
ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવના અભિયાનોને કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેઇટ ૧.પ ટકા જેટલો થઇ ગયો છે અને સાક્ષરતા દર ૭૦ ટકાએ પહોચ્યો છે તેની વિશદ ભૂમિકા તેમણે આપી હતી.
બાળક મુલ્યવર્ધક બને એની ચિંતા શિક્ષકોએ કરવાની છે. ગુરૂજનોની જવાબદારી બને છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, ગુરૂજનોને ગોવિંદ કરતા પણ વધુ મહત્વ આપવામાં આવ્યું છે. શિક્ષકે વિદ્યાદાન આપીને, બાળ ઘડતરની મહત્વની જવાબદારી અદા કરવાની છે. શાળા ખરા અર્થમાં મંદિર બને, બાળકોને શીખવા માટે આદર્શ સ્થળ બને તેવી પરિસ્થિતિ તેમના શિક્ષણ સેવા ભાવથી શિક્ષકોએ નિર્માણ કરવાની છે.
છેલ્લા ૧પ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા આમુલ પરિવર્તનનો ચિતાર આપતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દોઢ દાયકામાં ૧.૭પ લાખ શિક્ષકોની ભરતી કરી છે. ત્રણ લાખથી વધુ ઓરડાઓના નિર્માણ સાથે શાળામાં કોમ્પ્યુટર લેબ, પીવાનું પાણી, શૌચાલયો સહિતની માળખાકીય સુવિધાનું નિર્માણ કર્યું છે.
ગુણોત્સવ અવસરે મુખ્યમંત્રીશ્રી સાથે સાંસદ ડૉ. કે. સી. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઇ ટંડેલ, ધારાસભ્યો સર્વ શ્રી ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કલેકટર સી. આર. ખરસાણ, સરપંચ કામીનીબેન, સહિત ગ્રામજનો, શાળા પરિવાર પણ જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com