- મુખ્યમંત્રીના નિવાસસ્થાને મિટીંગ ઉપર મિટીંગનો દૌર શરૂ
- સમાજનું ‘માન-પાન’ જળવાઈ રહે અને ‘ઘીના ઠામમાં ઘી’ પડી જાય તે પ્રકારે સમાધાનના પ્રયાસો
પરસોતમ રૂપાલાના એક નિવેદનથી ઉભો થયેલો વિવાદ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. એકતરફ ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે જ્યાં બીજી બાજુ આજે પરસોતમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે. આ બંને બાબતો વચ્ચે ક્ષત્રિય સમાજનું માનપાન જળવાઈ રહે તે રીતે ઘીના ઠામમાં ઘી પડી જાય તે રીતે સમાધાન પ્રયાસ થઇ રહ્યા છે અને હવે ક્ષત્રિય સમાજને એક તાંતણે બાંધવા સીએમ ભુપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મેદાને આવ્યા છે. ગત રાત્રે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક અનિર્ણીત રહી હોવાના અહેવાલ વચ્ચે ક્યાંક એકાદ બે દિવસમાં હવે આ વિવાદનો અંત આવી જાય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
ગત રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની હાજરીમા ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં રમજુભા જાડેજા, તૃપ્તિબા રાઓલ, કરણસિંહ ચાવડા, પી ટી જાડેજા સહિતના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત ભાજપના ક્ષત્રિય આગેવાનોની પણ હાજરી રહી હતી. બેઠકમાં વિવાદનું સમાધાન લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ક્ષત્રિય આગેવાનો રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગણી પર અડગ જ રહ્યા હતા. જો કે, આ બેઠક ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની અત્યંત મહત્વપૂર્ણ બેઠક હોય તેવું રાજકીય ગલિયારીઓમાં ચર્ચાઈ રહ્યુ છે. આ બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નથી પરંતુ વિવાદના અંત માટે આ બેઠક અતિ મહત્વપૂર્ણ હતી.
ભાજપ હવે ક્ષત્રિય સમાજને સાથે રાખીને વિવાદનો અંત લાવવા માંગતી હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે. જેના ભાગરૂપે જ ગત રાત્રે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટથી ક્ષત્રિય આગેવાન પી ટી જાડેજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય બાબત છે કે, આ બેઠકમાં પદ્મિનીબા વાળાને શામેલ કરવામાં આવ્યા ન હતા. ભાજપ હવે આ ટૂંકા સમયગાળામાં આ વિવાદ મને સમેટી લેવા માંગે છે તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે રીતે રૂપાલાએ એકાએક રાજસ્થાન પ્રવાસ ખેડ્યો અને વાંકાનેરના રાજવી તેમજ રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ તેમની સાથે જોડાયા હતા. રાજસ્થાન ક્ષત્રિય સમજનો ગઢ માનવામાં આવે છે જેનો અર્થ છે કે, ફકત ગુજરાત જ નહિ પણ રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ ઉભો થયેલો વિવાદ ડામવા ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે.
જે રીતે ગત 14 એપ્રિલના રોજ રાજકોટના રતનપર ગામે યોજાયેલ મહાસંમેલનમાં રૂપાલાની ઉમેદવારી રદ્દ ન થાય તો લોકસભાની તમામ બેઠક પર ભાજપનો વિરોધ કરવામાં આવશે તેવો સુર ક્ષત્રિય સમાજે પુરાવતા આવતા દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તો સમાજ અને ભાજપ સામ-સામે આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવું સહજ છે અને ત્યારબાદ બેઠક બોલાવવી પણ અઘરી બની પડે ત્યારે સીએમ અને સીઆરએ આગોતરું આયોજન હાથ ધરી ગત રાત્રે જ બેઠક બોલાવી હતી.
હવે આજે એકતરફ રૂપાલા ફોર્મ ભરી રહ્યા હોય તે જ સમયે બપોરે ફરી એકવાર ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે રૂપાલા શક્તિપ્રદર્શન કરી ફોર્મ ભરવા જવા તરફ આગળ ધપી રહ્યા છે અને બીજી બાજુ ક્ષત્રિય સમાજની સંકલન બેઠક યોજાવા જઈ રહી છે. ત્યારે સીએમ અને સીઆર ક્ષત્રિય સમાજને ભેગો રાખવા પ્રયત્ન કરી રહ્યા છે.
ગઈકાલે જે બેઠક યોજાઈ તેની ઉપરથી એવુ ચોક્કસ કહી શકાય છે કે, ભાજપ આ મુદ્દે સાથે બેસીને સમજૂતી લાવવા પ્રયત્ન કરી રહી છે પણ સ્વમાન અને વટ સાથે જીવવા ટેવાયેલો ક્ષત્રિય સમાજ પોતાની તાસીર નહિ મૂકે તે વાતથી પણ પક્ષ બખૂબી વાકેફ છે. ત્યારે ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ જાય અને સાપ પણ મરે ને લાઠી પણ ન તૂટે તેવો કોઈક રસ્તો કાઢવા ઉચ્ચ સ્તરેથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
આગામી તા. 22 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી સંભવત: રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે અને આ પ્રવાસ એકદમ સફળ રહે તેના માટે ક્ષત્રિય સમાજના આંદોલનનો અંત લાવવો જરૂરી બન્યો હોય ત્યારે એકાદ બે દિવસમાં જ આંદોલનનો સુખદ અંત આવે તેવું રાજકીય નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે.
‘નેતાગીરી’ વગરનું ક્ષત્રિય સમાજનું ગ્રુપ ભાજપ માટે ‘શિરદર્દ’ સમાન?
ગઈકાલે મળેલી બેઠક માટે ભાજપ તરફથી કોર કમિટીના સભ્યો રમજુભા જાડેજા, કરણસિંહ ચાવડા, સંકલન સમિતિના અધ્યક્ષ તૃપ્તિબાં રાઓલ સાહિતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજકોટથી પી ટી જાડેજાને પણ નોતરું આપવામાં આવ્યું હતું પણ પદ્મિનીબા વાળાને આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. હવે પદ્મિનીબા વાળાની ગઈકાલે જે રીતે કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી તે ઓડિયો ક્લીપથી સ્પષ્ટ છે કે, આ જૂથ કોઈ પણ કાળે સમાધાન કરવા માંગતી નથી હાલ ક્યાંક પક્ષની રીતભાતથી દેખીતી કે અદેખીતી રીતે ’અસંતુષ્ટ’ હોય આ જૂથ ભાજપ માટે શિરદર્દ સમાન સાબિત થઇ શકે છે જેના લીધે આ જૂથને ક્યાંક આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
ક્ષત્રિય સમાજના પીઢ આગેવાનોને સાથે રાખી વિવાદ ખાળી શકાશે?
ગઈકાલે રાત્રે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ભાજપના ક્ષત્રિય હોદેદારોની હાજરી જોવા મળી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં યોજાયેલી બેઠકમાં સિનિયર નેતાઓ અને આગેવાનોની હાજરી જોવા મળી હતી. ત્યારે હવે ભાજપ ક્ષત્રિય સમાજના પીઢ આગેવાનોને સાથે રાખી આ વિવાદનો અંત આણવા પ્રયત્ન કરી રહ્યું છે. જો કે, આ પ્રયત્ન રંગ લાવશે કે કેમ તે આગામી સમય જ બતાવશે.
એકાદ-બે દિવસમાં આંદોલનનો સુખદ અંત?
હાલ રાજકીય ગલિયારીમાં જે રીતે ચર્ચા થઇ રહી છે તે મુજબ ગઈકાલે મળેલી બેઠક ભલે અનિર્ણીત રહી હતી પણ ક્યાંક હવે આ આંદોલન નિર્ણાયક તબક્કામાં હોય અને ક્ષત્રિય સમાજના વટ અને સ્વાભિમાનને આંચ ન આવે તે રીતે વિવાદનો અંત લાવવા તખ્ત તૈયાર કરી લેવામાં આવ્યો હોય અને તે દિશામાં ક્યાંક ઈશારો પણ કરી દેવાયો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ બધી બાબતો વચ્ચે આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક અતિમહત્વપૂર્ણ છે.