યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નહિ, પણ સંપૂર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે, અને મેડિકલ સાયન્સે પણ યોગની મહત્તાને સ્વીકારી છે ત્યારે, કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે ‘યોગ’ એક અસરકારક માધ્યમ પુરવાર થશે.
હાલ વિશ્વ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે, આવા સમયે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગ દ્વારા કોરોના સામેની લડાઈને વધુ સબળ બનાવવા રાજ્ય સરકારે #DoYogaBeatCorona થીમ પર રાજ્યના આબાલવૃધ્ધોને યોગાસન કરી ઈમ્યુનિટી બુસ્ટ કરવા પ્રેરિત કરતું ‘યોગ કરીશું,કોરોનાને હરાવીશું’ અભિયાન શરૂ કર્યું છે.
જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના તમામ નાગરિકોને તા.૧૯ જૂનના રોજ મનપસંદ યોગમુદ્રામાં યોગાસન કરતો પોતાનો ફોટો ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સાથે પોસ્ટ કરવા આહ્વાન કર્યું છે.
કોરોના સંકટ દરમિયાન ઘરે રહી ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી’ દ્વારા યોગ કરીએ. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન યોગને સપોર્ટ કરવા આપણે સૌએ ડિજિટલ માધ્યમથી ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
વિશ્વએ પણ સ્વીકાર્યું છે કે યોગ આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ અસરકારક છે. ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૧૫થી ૨૧મી જૂને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.