૧૬૨ નગરપાલિકાઓ, ૮ મહાનગરપાલિકાઓ, ૨ શહેરી વિકાસ સતામંડળોને સર્વાંગી વિકાસ કામો માટે ૨૦૦૦ કરોડનાં ચેક વિતરણનો સમારોહ યોજાયો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આગામી દિવાળી પહેલા રાજયનાં નગરો-મહાનગરો સહિતનાં માર્ગો-રસ્તા મરામતનાં કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન આયોજન તૈયાર કરી દેવા આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, નગરો-મહાનગરોનાં સતાતંત્રો કામની પ્રાયોરિટી નકકી કરે. રાજય સરકાર સ્થાનિક વિકાસકામો માટે નાણાની કોઈ કચાશ રહેવા દેશે નહીં. મુખ્યમંત્રી રાજયની ૧૬૨ નગરપાલિકાઓ, ૮ મહાપાલિકાઓ અને બે શહેરી વિકાસ સતામંડળોને સર્વાંગી વિકાસ કામો માટે રૂા.૨ હજાર કરોડની રકમનાં ચેક અર્પણ સમારોહનાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ આયોજિત આ ગૌરવશાળી સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્યમંત્રીઓ યોગેશભાઇ પટેલ, વિભાવરીબહેન દવે અને બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી પણ ઉપસ્થિત હતા. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર હવે સામે ચાલીને સ્થાનિક સ્વરાજ્યની આવી સંસ્થાઓ, નગરપાલિકાઓ-મહાપાલિકાઓને વિકાસકામો માટે ગ્રાંટ આપે છે. તેમણે ઉમેર્યુ કે ભૂતકાળમાં સરકારોને ઓવરડ્રાફટ લેવો પડતો, શહેર સુખાકારી અને નાગરિક સુવિધાના કામો માટે નાણાં પૂરતા ફાળવાતા ન હતા. રાજ્યમાં છેલ્લા બે દાયકાથી એ સ્થિતીમાં બદલાવ લાવીને હવે સરકાર બજેટમાં જે કાંઇ નિર્ધારીત કરે છે તે બધું જ વિકાસકામો માટે સમયસર આપે છે તેવી ફાયનાન્સિયલ ડિસીપ્લીન સાથે કામ કરીયે છીયે તેમ તેમણે ગૌરવ સાથે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના નાગરિકોની લોકોની અપેક્ષા મુજબના કામોને અગ્રતા આપી હેલ્ધી કોમ્પીટીશનથી વર્લ્ડકલાસ શહેરો-સ્માર્ટ સિટીઝ બનાવવાનું વાતાવરણ સૌ સાથે મળીને ઊભું કરીએ.તેમણે આ હેતુસર નગરો-મહાનગરોના તંત્રવાહકો, પદાધિકારીઓને આગવા વિઝન સાથે લઘુત્તમ સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય એ દિશામાં કાર્યરત થવા પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીએ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓને પણ ફાયનાન્સિયલ ડિસીપ્લીનથી કામોનું આયોજન કરવા અનુરોધ કરતાં જણાવ્યું કે નાગરિકોને રોજ-નિયમીત પીવાનું પાણી મળે, ડ્રેનેજ અને જઝઙના કામો સત્વરે પૂર્ણ થાય, રિયુઝ અને રિસાયકલીંગ ઓફ ટ્રીટેડ વોટરનો ઉપયોગ તેમજ તળાવો ઊંડા કરવા જેવા જળસંચયના લાંબાગાળાના કામો દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી નગરોને રહેવાલાયક માણવાલાયક બહેતરીન સુવિધાઓ આપવાનું આપણું લક્ષ્ય છે.
તેમણે નગરોમાં ૧પ મીટર સુધીની ઊંચાઇના મકાનો-ઇમારતો માટે ઓનલાઇન નકશા પાસ કરવા, સ્લમ રી-ડેવલપમેન્ટ નિતીના કામો વેળાસર પાર પાડવા અને ગ્રીન કલીન સિટીઝ નિર્માણ માટે ઘરે-ઘરેથી ગાર્બેજ કલેકશન, ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન વગેરેની ભારપૂર્વક પણ હિમાયત કરી હતી. વિજયભાઇ રૂપાણીએ નગર-મહાનગરના કાઉન્સીલર કે પદાધિકારી તરીકે જનસેવાની જે તક મળી છે તેને સાકાર કરવા વાદ નહિં, સંવાદના ધ્યેય સાથે પ્રો-એકટીવ સેલ્ફ ગવર્મેન્ટનો કોન્સેપ્ટ અપનાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે વિધાનસભામાં અંદાજપત્ર બજેટ પસાર થયાના એકાદ પખવાડિયાના સમયગાળામાં જ બે હજાર કરોડ જેવી માતબર રકમ એક સાથે આપીને સર્વાંગી શહેરી વિકાસની નેમ પાર પાડી છે તેમ પણ ઉમેર્યુ હતું.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના ૪૫ ટકા નાગરિકો શહેરી વિસ્તારમાં વસે છે. એવા કરોડો નાગરિકોને માળખાકીય સવલતો પૂરા પાડવા માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે જ ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, નાગરિકોને તમામ પ્રકારની સવલતો આ સરકાર પૂરી પાડી રહી છે. ભૂતકાળમાં શહેરી વિકાસ વિભાગ માટે જે નાણાં ફળવાતા હતા તેમાં અમારી સરકારે ઉત્તરોત્તર વધારો કર્યો છે. આ વર્ષે રૂ.૧૩ હજાર કરોડથી વધુ રકમ આ વિભાગ માટે ફાળવી છે. રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટીના પરિણામે આજે નગરોમાં મોટા ભાગના સુવિધાના કામો પૂર્ણ થયા છે ત્યારે આ રકમ જે આપ સૌને ફાળવવામાં આવી છે ત્યારે તેનો પણ સદુપયોગ કરીને જનસુવિધાના કામો હાથ ધરશો એવો મને દ્રઢ વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું કે, કોઇપણ સંસ્થામાં વહીવટ કરવો હોય તો એ માટે અનુભવ એ મોટું જમા પાસું છે. સત્તા તો તમામને મળે છે પણ મળેલ સત્તા થકી જનસુવિધાના કામો એવા કરવા કે લોકો વર્ષો સુધી યાદ કરે.
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે પારદર્શકતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતા અને સંવેદનશીલતાના આધારસ્થંભ થકી ચાલતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સરકારે શહેરી વિકાસ માટે અંદાજપત્રમાં ૧૩ હજાર કરોડની માતબર રકમ ફાળવી છે. જેના થકી જે વિકાસ કામો હાથ ધરાશે એ માટે બોર્ડ ચોક્કસ પ્રયાસો હાથ ધરશે. તેમણે મહાનગરો, નગરો અને નગરપાલિકાના સભ્યો-અધિકારીઓને આજે રૂ.૨,૦૦૦ કરોડની ફાળવણી કરી છે તે માટે પ્રોજેકટ દરખાસ્તો સત્વરે મોકલી આપવા ભારપૂર્વક જણાવીને કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે ગુણવત્તાલક્ષી કામોને પણ પ્રાધાન્ય આપવા અપીલ કરી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, શહેરોના વિકાસ માટે રાજ્ય સરકારે જે વચનો આપ્યા હતા એ પરિપૂર્ણ થયા છે અને નગરો-શહેરોના તમામ પ્રોજેકટોની કામગીરીમાં આજે ગુજરાત દેશભરમાં એકથી પાંચ સ્થાનમાં રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશના વડાપ્રધાનએ ગુજરાતમાં મળવાપાત્ર સવલતો માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી યોજના કાર્યાન્વિત કરી હતી તેના પરિણામે આજે આ શક્ય બન્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ વેસ્ટ વોટર પોલીસી, નાગરિકો માટે યાતાયાત સુવિધાની ટ્રાન્સપોર્ટ સેવા તથા આવાસો માટેની યોજનાને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે ગુજરાત ૨૦૨૧ સુધીમાં સૌને ઘરનું સપનું પુરૂ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જામનગર મહાપાલિકાએ મલ્ટીપલ સીમલેસ ઓનલાઇન પેમેન્ટ ઓપ્શન સુવિધા વિકસાવી છે તેનું લોચીંગ પણ આ પ્રસંગે મુખ્યમંત્રીએ કર્યુ હતું. આ પ્રસંગે શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ, મહિલા બાળ કલ્યાણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે સહિત શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મહાનગરપાલિકાના મેયરો, નગરપાલિકાના પ્રમુખો, કમિશનરઓ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આભારવિધિ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનર મહેન્દ્ર પટેલે કરી હતી.