ગુજરાત સરકાર દ્વારા કોરોનાની બીજી લહેરને રોકવા માટે મીની લોકડાઉન લગાવામાં આવ્યું હતું. આજે તે મીની લોકડાઉન અંગે સરકાર દ્વારા મહત્વનો ફેંસલો લેવામાં આવ્યો છે. જેમાં આવતી કાલથી ગુજરાતમાં આંશિક લોકડાઉન લગાવામાં આવ્યું છે. આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે. જેથી નાના મોટા ધંધાર્થીઓને રાહત મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરેલીના રાજુલાના પીપાવાવમાં આ મોટી જાહેરાત કરી છે. આ આંશિક લોકડાઉન આગામી 27મે સુધી અમલી રહેશે.
ઉલ્લેખનીય છે કે ખતરનાક સાબિત થયેલી કોરોના વાયરસની બીજી લહેરમાંથી ગુજરાત સહિત સમગ્ર દેશ ઉગરવા તરફ છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. તો સામે રિકવરી રેટ પણ નોંધનીય દરે વધી રહ્યો છે. પરંતુ હાલ એમાં પણ વાયરસની સાથે વાવાઝોડાએ મોટું નુકસાન કરાવ્યું છે. કોરોનાને કાબુમાં લેવા માટે રાજ્યના 36 શહેરોમાં જે “મીની લોકડાઉન” જેવા કડક પ્રતિબંધો લદાયા છે. તેમાં હવે આવતીકાલથી નાના વેપારીઓ માટે રૂપાણી સરકારે “રાહત” જાહેર કરી છે. જે અનુસાર છેલ્લા થોડા દિવસથી લદાયેલા લોકડાઉન જેવા કડક નિયમોમા હળવાશ મળી છે અને હવે આવતીકાલથી સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખી શકાશે.
બજારો, દુકાનો ફરી ધમધમશે
ઉલ્લેખનીય છે કે હાલ દિવસ દરમ્યાન જે કડક નિયમો યથાવત છે તેને દૂર કરવા નાના-મધ્યમ વર્ગના વેપારીઓ, સહિત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત સરકાર સમક્ષ માંગણી કરાઈ રહી હતી. જેને આંશિક રીતે સ્વીકારી સરકારે નિયમો હળવા કર્યા છે. એક તરફ વાયરસ અને એમાં પણ વાવાઝોડું ત્રાટકતા નાના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફરી ધંધા રોજગાર શરૂ થાય તેમ ઈચ્છી રહ્યા છે. ત્યારે આ નાના વેપારી વર્ગને ધ્યાને રાખી સરકાર નિયમો હળવા કરી સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી દીધી છે. જો કે, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત છે.