• ડીસા-લાખણી-કાંકરેજ-દિયોદર તાલુકાના કુલ 192 ગામ અને થરા શહેરને મળશે શુધ્ધ પીવાનું પાણી
  • 192 ગામના કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે

માહિતી બ્યુરો,પાલનપુર

તા.25 સપ્ટેમ્બર,2024

સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારશ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. 27 મી સપ્ટેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ડીસા અને લાખણી તાલુકાના ગામોની જુથ પાણી પુરવઠા યોજના ફેઝ – 1 થી 4 ના તથા રાણકપુર ઓફટેક આધારિત પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ બે યોજનાઓનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવાથી ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામ તેમજ કાંકરેજ અને દિયોદરના કુલ 104 ગામ અને થરા શહેરને શુધ્ધ પીવાના પાણીનો લાભ મળી રહેશે.

બનાસકાંઠા જિલ્લાના નર્મદા મુખ્ય નહેરના દેવપુરા, તાલુકો વાવ ઓફટેક આધારીત ડીસા અને લાખણી તાલુકાના કુલ 88 ગામોનો સમાવેશ થાય છે. જેમાં ડીસા તાલુકાના 51 ગામ અને લાખણી તાલુકાના 37 ગામ છે. જ્યારે બીજી પાણી પુરવઠા યોજના રાણકપુર ઓફટેક સુધારણા યોજના હેઠળ કાંકરેજ અને દિયોદર તાલુકાના કુલ 104 ગામ અને થરા શહેરનો સમાવેશ કરાયો છે. જેમાં કાંકરેજ તાલુકાના 80 ગામ, દિયોદર તાલુકાના 23 ગામ, લાખણી તાલુકાના ૦૧ ગામ તથા થરા શહેરનો સમાવેશ થયો છે.

ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામ પાતાળ કુવા આધારીત, સ્વતંત્ર બોર આધારીત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફત પાણી મેળવે છે. આ ગામના પાતાળ કુવાઓના પાણીનું સ્‍તર દિન-પ્રતિદિન નીચા ઉતરતા જતા હોઇ તથા આ વિસ્‍તારમાં પાણીના દ્રાવ્ય ક્ષારો જેવાં કે ફ્લોરાઈડ, નાઇટ્રેટ તથા સેલીનીટીનું પ્રમાણ વધુ હોઇ પીવાના પાણીની સમસ્યા હતી. જ્યારે વર્ષો વર્ષ ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળના તળ નીચે જવાથી પાણીની ગુણવત્તાયુકત ન હોઇ, વિશ્વસનિય સ્ત્રોત તરીકે નર્મદા મુખ્ય નહેરની તાતી જરૂરિયાત હતી.

ગુજરાત સરકાર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લઈ કરોડો રૂપિયાના ખર્ચે બે પાણી પુરવઠા યોજના અમલમાં મુકાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા,લાખણી,કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારા દેવપુરા-વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020માં તૈયાર કરવામાં આવી હતી. જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં તેનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થશે. જે લોકાર્પણ થતાં નાગરિકોને પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થશે.

પાણી પુરવઠાની બે યોજનામાં નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં આવેલ કુલ 192 ગામની કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું પાણી વિતરણ કરી શકાશે. આ બંને યોજના માટે કુલ 5 ફેઝની કામગીરીનું આયોજન પૂર્ણ કરાયું છે.

દેવપુરા ઓફ્ટેક યોજના

– આગથળા ખાતે 29 એમ.એલ.ડી જળ શુધ્ધીકરણ પ્લાન્ટ

– આખોલ 50 એમ.એલ.ડી જળ શુધ્ધીકરણ પ્લાન્ટ

– 208.57 કિલોમીટર લાંબી મેટાલિક પાઇપ

– 360.54 કિલોમીટર લાંબી નોન મેટાલિક પાઇપ

– હેડ વર્કસ ખાતે 5.92 કરોડ લીટર ક્ષમતાવાળા

– 10 ભૂગર્ભ સંપ

– હેડ વર્કસ ખાતે કમ્પાઉન્ડ વોલ અને સર્વિસ રોડ

– ઓપરેટિંગ યુનિટ અને સિક્યુરિટી કેબિન

રાણકપુર ઓફ્ટેક યોજના

– 57.81 કિલોમીટર લાંબી રાઇઝિંગ મેઈન પાઇપલાઇન

– 207.3 કિલોમીટર લાંબી ડિસ્ટ્રીબ્યુશન ગ્રેવીટી પાઇપલાઇન

– 1.46 કરોડ લીટરની ક્ષમતાવાળા પાંચ ભૂગર્ભ સંપ

– યોજના તળે જુદા જુદા હેડ વર્કસ પમ્પિંગ મશીનરી

– કમ્પાઉન્ડ વોલ, સર્વિસ રોડ, સ્ટાફ ક્વાર્ટરની સુવિધાઓ

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.